રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ખાસ કરીને આમ આદમી પાર્ટી ફૂલ ફોર્મમાં જણાઈ રહી છે અને સામે ભાજપ પણ સતત ચૂંટણી લક્ષી કામગીરીમાં વ્યસ્ત છે ત્યારે કોંગ્રેસ અને AIMIM પાર્ટીઓ હવે ધીરેધીરે મેદાનમાં આવી રહી છે.
ખાસ કરીને ગુજરાતમાં મુસ્લિમો અને દલિતોની વોટબેંક ઉપર કોંગ્રેસ,AIMIM અને આપ ની નજર રહેલી છે.
રાજ્યમાં મુસલમાનની વસતિ અંદાજે 11 ટકા જેટલી છે.
તેમાંય અમદાવાદનો જુહાપુરા વિસ્તાર મુસલમાન સમુદાયની સૌથી મોટી વસાહત તરીકે ઓળખાય છે.
આ વિસ્તારના મકતમપુરા વૉર્ડથી હંમેશાંથી કૉંગ્રેસ જીતતી આવી છે, પરંતુ આ વખતે આ વૉર્ડમાંથી ૩ AIMIMનાં ઉમેદવારો જીતી ચૂક્યા છે.
અમદાવાદ શહેરમાં દરિયાપુર, જમાલપુર-ખાડિયા અને દાણીલીમડા એ ત્રણ વિધાનસભા બેઠક એવી છે જ્યાં મુસ્લિમ અને દલિત મતદાતાઓ હાર-જીત પર અસર કરી શકે છે. હાલમાં ગુજરાતમાં 3 મુસલમાન ધારાસભ્યો છે, જે ત્રણેય કૉંગ્રેસના છે, જેમાં ગ્યાસુદ્દીન શેખ (દરિયાપુર), ઇમરાન ખેડાવાલા (જમાલપુર-ખાડિયા) અને જાવેદ પીરઝાદા (વાંકાનેર)નો સમાવેશ થાય છે.
સીધી વાત છે કે ગુજરાતની કુલ વસતિમાં આશરે 11 ટકાની મુસ્લિમો છે અને તેની સામે માત્ર 3 જ ધારાસભ્ય છે પણ હવે જ્યારે AIMIM ગુજરાતમાં એન્ટર થઈ છે અને AIMIMનાં ચૂંટાયેલા ઉમેદવારો જો મુસલમાનોનો અવાજ ઉઠાવી શકે તો સમજવું પડે કે આ પાર્ટી સમય જતાં અમુક વિસ્તારમાં મજબૂત થઈ શકે.
બીજી તરફ ગુજરાતમાં મુસલમાનોના રાજકીય પ્રતિનિધિત્વની વાત કરવામાં આવે તો 80ના દાયકા પછી લગભગ ગુજરાતના નક્શામાંથી સાવ ગાયબજ થઈ ગયા છે,છેલ્લે અહેસાન જાફરી અને રઉફ વલીઉલ્લાહ જેવા નેતાઓએ 80ના દાયકામાં મુસ્લિમ વોટબેન્ક અને મુસલમાનોના હિતની વાત કરી હતી, ત્યારબાદ મુસ્લિમ ધારાસભ્યોની સંખ્યા ઘટતી ગઈ અને હવે છેલ્લે માત્ર ત્રણ ધારાસભ્યો મુસલમાન સમાજના છે.
જોકે,ભરૂચ પંથકમાં આમ આદમી પાર્ટી સક્રિય થતા કેટલાક મુસ્લિમ યુવા ચહેરાને તક મળી શકે છે તે જોતા અહીં આપ બાજી મારી શકે છે.
આમ,હાલતો ગુજરાતમાં દરેક સમાજ પોતપોતાની રીતે કેન્ડીડેટની માંગ કરી રહ્યો છે ત્યારે મુસ્લિમ સમાજમાં પણ પોતાના ઉમેદવાર માટે કોંગ્રેસ,આપ,AIMIM અને ભાજપ માંથી યોગ્ય ઉમેદવાર માટે પ્રયાસો શરૂ થયા છે ત્યારે માત્ર ઓવેસીની AIMIM પાર્ટી હાલતો વિધાનસભાની ચૂંટણીમાં સારા દેખાવની અપેક્ષા રાખી રહ્યાનું જાણકારો જણાવી રહયા છે