રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે અરવલ્લી જિલ્લામાં 9.6 ઈંચ જેટલો દેમાર વરસાદ પડતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે, ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ બેટમાં ફેરવાઇ ગયા છે. જિલ્લાની હાથમતી, બુઢેલી નદીઓમાં અને લીલછા પાસેની ઇન્દ્રાસી નદીમાં ઘોડાપૂર આવતાં નદીકાંઠાનાં 20 ગામોને સતર્ક કરવામાં આવ્યાં છે.

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં પણ આજે મંગળવારે વહેલી સવારથી ધોધમાર વરસાદ ચાલુ છે.
ભિલોડાના લીલછા, માકરોડા, ખલવાડ ,જૂના ભવનાથ જેવા ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકાર બન્યા છે. મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ ચાલુ છે.
યાત્રાધામ શામળાજીમાં પણ સતત વરસાદ ચાલુ રહ્યો છે, જેમાં મંદિર પરિસર અને શામળાજીનાં બજારોમાં પાણી પાણી જોવા મળી રહ્યું છે.
આગાહી મુજબ અહીં ભારે વરસાદ વરસી રહ્યો છે અને સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે.