વડોદરાના કરજણ નેશનલ હાઇવે-48 ઉપર માંગલેજ ચોકડી પાસે પંદર દિવસ અગાઉ અકસ્માતનો ભોગ બનેલા નારેશ્વર આઉટપોસ્ટ પોલીસ ચોકીના ઇન્ચાર્જ PSIનું સારવાર દરમ્યાન મોત થતા તેમના પત્ની અને બે બાળકો નોંધારા બન્યા છે.
મૃતક પોલીસકર્મીને હજુ 10 માસ પહેલાં જ PSI તરીકેનું પ્રમોશન મળ્યું હતું અને છેલ્લા એક માસથી નારેશ્વર આઉટ પોસ્ટમાં ઇન્ચાર્જ PSI તરીકે ફરજ બજાવી રહ્યા હતા

વડોદરમાં સિટી પોલીસ લાઇનમાં બી-1, રૂમ નંબર-7માં રહેતા અને કરજણના નારેશ્વર આઉટપોસ્ટમાં PSI તરીકે ફરજ બજાવનાર રવિચન્દ્રભાઈ બાબુભાઈ નિનામા તા.1-8-022ના રોજ સાંજના સમયે પોતાની નોકરી પતાવીને બાઇક પર વડોદરા આવી રહ્યા હતા. ઘરે આવતા પહેલાં PSI રવિચન્દ્ર નિનામાએ વડોદરા મહિલા પોલીસ મથકમાં એ એસઆઈ ફરજ બજાવી રહેલા પત્ની દક્ષાબહેનને ફોન કરી પોતે હાલ નારેશ્વર આઉટપોસ્ટમાં છે અને ત્યાંથી બાઇક પર વડોદરા આવવા નીકળવાનું જણાવ્યું હતું દરમિયાન ત્યારબાદ PSI રવિચન્દ્ર નિનામાને કરજણ હાઇવે પર માંગલેજ ચોકડી પાસે પાસે અકસ્માત નડ્યો હતો. આ અંગે કોઇ અજાણ્યા વ્યક્તિએ PSIના ફોન ઉપરથી PSIની પત્ની ઉપર રાત્રે 8 વાગ્યાના અરસામાં ફોન કરી જણાવ્યું હતું કે, કોઇ પોલીસવાળાના વાહને તેઓને અડફેટે લઈ અકસ્માત કરી ભાગી ગયો હોવાનું જણાવ્યુ હતુ.

દરમિયાન ગંભીર રીતે ઘાયલ થયેલા પીએસઆઇને સયાજી હોસ્પિટલમાં લઈ જવાતા તેઓના પત્ની દક્ષાબેન પોતાના બે બાળકો સાથે હોસ્પિટલમાં દોડી ગયા હતા.
આ હોસ્પિટલમાં ચાર-પાંચ દિવસ સારવાર બાદ PSI રવિચન્દ્ર નિનામાને વધુ સારવાર માટે વડોદરા શહેરની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા જ્યાં તેઓનું ટૂંકી સારવાર દરમિયાન મોડી સાંજે મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે કરજણ પોલીસે PSIના પત્ની દક્ષાબહેન રવિચન્દ્ર નિનામાની ફરિયાદના આધારે અજાણ્યા પોલીસ જવાન વાહન ચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.