રાજ્યમાં મહિલાઓની સુરક્ષા તથા મદદ માટે 24ડ 7 કાર્યરત 181 અભ્યમ મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા અનેક મહિલાઓના જીવનમાં સુખના અજવાસ પથરાયા છે. આવા જ એક કિસ્સામાં સુરેન્દ્રનગરમાં ગ્રામીણ વિસ્તારના ગંગા સ્વરૂપ મહીલાનું તેના 07 વર્ષના બાળક સાથે મિલન કરાવી 181 મહિલા હેલ્પ લાઇન ટીમ દ્વારા સુખદ સમાધાન કરાવવામાં આવ્યું હતું.સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના એક ગામમાંથી ગંગા સ્વરૂપ મહીલાનો 181 મહિલા હેલ્પલાઈન ઉપર કોલ આવ્યો. ગણતરીની મિનિટોમાં જ 181 ટીમના કાઉન્સેલર ચંદ્રિકા મકવાણા અને ડ્રાઇવર યશવંતભાઈ ગોસ્વામી પીડિતાની મદદે પહોંચી ગયા હતા. પીડિતાનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું હતું કે, પીડિતાના પતિ 3 મહિના પહેલા અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા.ત્યારબાદ પીડિતાને સમાજના આગેવાનોએ મરજી ન હોવા છતાં દિયર નાની વયનો હોવા છતાં દિયર વટું કરાવ્યું હતું. પીડિતના દિયર કારણ વગર દિયર વટાના ત્રણ જ દિવસમાં મારકૂટ કરવા લાગ્યા હતા. આથી પીડિત પિયરે જતા રહ્યા હતા. પીડિત ના પતિ ન હોવાથી બાળક ઉપર દિયરનો તથા સાસુનો હક છે, એમ કહી પીડિતોના 07 વર્ષનાં બાળકને લઈ ગયા હતા. પીડિતા પોતાના બાળકને લેવા સાસરે પરત ગયા પરંતુ દિયર એક પણ વાત સમજવા તૈયાર ન હતા. અંતે દિયર કે સાસુ બાળક આપવા રાજી ન થતાં પીડિતાએ 181 માં કોલ કર્યો હતો.181 ની ટીમ દ્વારા સાસુ તથા દિયરને કાયદાકીય ભાષામાં સમજાવવામાં આવ્યા હતા. તેમજ બાળક હજુ નાનું હોવાથી તેના માતાને આપી દેવા દિયર અને તેના સાસુને સમજૂત કરવામાં આવ્યા હતા. સાસુને પણ પોતાની રૂઢિગત પ્રણાલી છોડીને દીકરો ગુમાવ્યા બાદ વહુને જ દીકરા સમાન માની સાથે રહેવા સમજાવવામાં આવ્યા હતા. સાસુ તથા દિયરને પોતાની ભૂલ સમજાઈ જતા બંને એ પીડિતાની માફી માંગી, પોતાની મરજીથી પીડિતને બાળક આપ્યું હતું.સુખદ સમાધાન થતાં સાસુ તેમજ પીડિત બંને રડી પડ્યા હતા. પીડિત મહિલા સમાધાન કરી દિયર વટા વગર સાસુ અને બાળક સાથે સાસરે રહેવા ઈચ્છતા હોવાથી સાસુ એ પીડિતને દીકરી સમાન માની સાથે રહેવા સહમત થયા હતા. આમ, ગંગા સ્વરૂપ મહિલાને પોતાનો દીકરો મળી ગયો તેમજ સાસરે દિયર વટાના કારણે ઊભો થયેલો ક્લેશ પૂરો થતાં સાસુ વહુ બંને એ 181 અભ્યમ ટીમનો આભાર માન્યો હતો.