આજે તરણેતર લોકમેળાના અંતિમ દિવસે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ પરિવાર તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવને ધજા ચડાવવામાં આવી હતી. આ તકે રાજકોટ વિભાગ પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ, જિલ્લા કલેક્ટરશ્રી કે.સી.સંપટ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાજેશ તન્ના, પોલીસ અધિક્ષકશ્રી ડૉ.ગીરીશ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા.તરણેતર આઉટ પોસ્ટથી શરૂ થયેલી આ ધજા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ધજા યાત્રાના સમગ્ર રૂટ પર રાસમંડળીઓએ રાસની રમઝટ બોલાવી હતી. આંટાડી પાઘડી, રંગબેરંગી કેડિયું સહિતના પરંપરાગત પરિધાનથી સજ્જ રાસ મંડળીના યુવાનોએ લોકોમાં એનેરું આકર્ષણ જમાવ્યું હતું. અનેક લોકો તરણેતર મેળાની ઓળખ સમી મોરલાવાળી છત્રી લઈને પણ આ ધજા યાત્રામાં જોડાયા હતા. ધજા યાત્રા ત્રિનેત્રેશ્વર મહાદેવ પહોંચતા પોલીસ જવાનોએ પુષ્પવર્ષા દ્વારા સ્નેહભર્યું સ્વાગત કર્યું હતું. મુખ્ય પૂજારીશ્રીએ શાસ્ત્રોકત વિધિથી ધજાનું પૂજન કરાવ્યું હતું. ત્યારબાદ ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિર પર ધ્વજારોહણ કરાયું હતું. આ ક્ષણે સમગ્ર મંદિર પરિસર “હર હર મહાદેવના” નાદથી ગુંજી ઉઠ્યું હતું. મંદિર પરિસરમાં પણ રાસ મંડળીએ રાસની રમઝટ બોલાવી હતી, જેમાં પોલીસ મિત્રો પણ જોડાયા હતાં.આ તકે રાજકોટ વિભાગ પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવે જણાવ્યું હતું કે, ખૂબ જ ટૂંકા સમયગાળામાં જિલ્લા વહીવટી તંત્રે આ મેળાનું સુંદર આયોજન કર્યું છે. સમગ્ર મેળા દરમિયાન એક પણ અનિચ્છનીય બનાવ બન્યો નથી. લોકોને મેળા દરમિયાન કોઈપણ જાતની અગવડતા ન પડે તેનું પૂરતું ધ્યાન વહીવટી તંત્ર દ્વારા રાખવામાં આવ્યું છે. વહીવટી તંત્રના સુચારું આયોજને લોકો સમક્ષ બેસ્ટ મેનેજમેન્ટનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મેળા અંગેના અભ્યાસ ઇચ્છુક મિત્રોએ ખૂબ જ ટૂંકા સમયગાળામાં થયેલા મેળાનાં આયોજનના કેસ સ્ટડીનો અભ્યાસ કરવો જોઈએ. સમગ્ર મેળા દરમિયાન લોકોને વધારે સુવિધા કઈ રીતે પૂરી પાડી શકાય તેનું વહીવટી તંત્ર દ્વારા ખુબ જ ચોકસાઈથી ધ્યાન રાખવામાં આવ્યું છે. વધુમાં તેમણે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવ લોકોને સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પણ કરે એવી પ્રાર્થના કરી હતી.આ કાર્યક્રમમાં ચોટીલા આસિસ્ટન્ટ કલેકટરશ્રી કલ્પેશ શર્મા, નાયબ પોલીસ અધિક્ષકશ્રી વી.બી.જાડેજા, વિશાલ રબારી, રિદ્ધિ ગુપ્તે, નયના ગોરડીયા, સારડા સહિત મોટી સંખ્યામાં પોલીસ મિત્રો જોડાયા હતાં.