સુરેન્દ્રનગર: દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ઉજવાઈ રહેલા હર ઘર તિરંગા અભિયાનને સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યંત પ્રોત્સાહક પ્રતિસાદ મળી રહ્યો છે.હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત બીજા દિવસે પણ સુરેન્દ્રનગર શહેરના તમામ મુખ્ય સ્થળો, બજારો, કોમ્પ્લેક્સ ઘર સહિતની જગ્યા ઉપર તિરંગો લહેરાતો જોવા મળ્યો હતો. દરેક લોકો પોતાના ઘરે તિરંગો લહેરાવવા માટે પ્રોત્સાહિત થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા અનેક પ્રકારના આયોજનો હાથ ધર્યા હતાં. જિલ્લાની દરેક સરકારી કચેરીઓ ઉત્સાહપૂર્વક આ અભિયાનમાં જોડાઈ હતી. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પણ તિરંગા અભિયાનમાં જોડાઈને દરેક આરોગ્ય કેન્દ્ર પર તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. આ અભિયાન અંતર્ગત ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર ,અર્બન હેલ્થ સેન્ટર, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર અને સબ સેન્ટરોમાં અધિકારીઓ-કર્મચારીઓએ ગૌરવપૂર્ણ રીતે રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો અને દેશપ્રેમના અભિયાનમાં સામેલ થવા બદલ હર્ષ વ્યક્ત કર્યો હતો.