લોક-સંસ્કૃતિના જતન અને સંવર્ધનના હેતુથી સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં આયોજિત તરણેતરના મેળામાં પહેલીવાર ગ્રામીણ સાંસ્કૃતિક સ્પર્ધાઓ યોજવામાં આવી છે. આ આયોજનની લોક કલાકારો દ્વારા સરાહના કરવામાં આવી હતી.ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, કમિશનરશ્રી યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ તેમજ સુરેન્દ્રનગર જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી કચેરીના ઉપક્રમે તરણેતરના મેળામાં આ વર્ષે વિવિધ સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લોકગીતની સ્પર્ધામાં ભાગ લેનારા લખતરના લોક-કલાકાર ૪૫ વર્ષીય ઝીણાભાઈ બારોટ પ્રથમ ક્રમે આવ્યા છે. તેમણે કહ્યું હતું કે, તરણેતરના આ ભાતીગળ મેળામાં સાંસ્કૃતિક સ્પર્ધાઓથી નાના કલાકારોને મોટો ફાયદો થશે. અહીં ભજન, દુહા-છંદ સહિતની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેનારા અનેક કલાકારોને મોટો મંચ મળ્યો છે. 

તરણેતરના અનુભવો વહેંચતા તેમણે કહ્યું હતું કે, પોતે ત્રણ વર્ષના હતા, ત્યારથી પિતા સાથે મેળામાં આવતા હતા. સાત વર્ષના હતા ત્યારથી ધીમેધીમે ગાવાની પ્રેક્ટિસ શરૂ કરી હતી. આજથી આશરે ૧૭ વર્ષ પહેલાં તરણેતરમાં પંચાયત દ્વારા આયોજિત સ્પર્ધામાં ભાગ લીધો હતો.ઝીણાભાઈ દર વર્ષે તરણેતરના મેળામાં અચૂક આવે છે. લોકકળાને જીવંત રાખવા ગુજરાત સરકારના અભિનવ પ્રયાસો બદલ તેમણે રાજ્ય સરકાર તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.