પ્રયાગરાજ ચોકમાં હોળી ખેલન પધારો નામાભિધાન અંતર્ગત હોળી રસીયાનો વિશેષ ઉત્સવ ઉજવાયો
કાલોલ વૈષ્ણવ સમાજ દ્વારા સતત બીજી વખત ફુલફાગ ફાગ મનોરથ અને હોળી રસીયા નું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ રામજી મંદિર પ્રયાગરાજ ચોકમાં હોળી ખેલન પધારો નામાભિધાન અંતર્ગત હોળી રસીયાનો વિશેષ ઉત્સવ પુષ્ટિ ભૂષણ પૂ. પા. ગો. 108 શ્રી કુંજેશ કુમારજી મહારાજશ્રી (કડી - અમદાવાદ) અને વલ્લભ કુળ પરિવારના લૌકિક સાનિધ્યમાં ઉજવાયો હતો.
ઉત્સવની ઉજવણીના ઉપલક્ષમાં આજે બપોરે શ્રી સુધા સત્સંગ મંડળ પાઠશાળામાં પુષ્ટિ માર્ગીય મહિલા મંડળ કાલોલ સમસ્તની બહેનનાં પાઠ બાદ વલ્લભ કુળ પરીવારને વાજતે ગાજતે પ્રયાગરાજ ચોક ખાતે આવકાર્યા હતા.
યુવા વૈષ્ણવોના સુચારુ આયાજનો મધ્યે વલ્લભકુળ પરિવારના સ્વાગત સમારોહ સાથે પૂ. શ્રીના વચનામૃત અને ચરણસ્પર્શ નો લાભ ધન્યતા અનુભવી હતી. વલ્લભકુળ પરિવારના પ્રેરક સાનિધ્યમાં સમસ્ત વૈષ્ણવ સમાજે ફુલફાગ ખેલ અને હોળી રસીયાનો લૌકિક લાહવો લૂંટયો હતો. શ્રી કૃષ્ણ ભજન મંડળ ડેરોલ સ્ટેશનના કીર્તનકારોના કર્ણ પ્રિય સંગીતમાં જેવા રસિયા કીર્તનના મધુર સ્વર સાથે તાલ મિલાવી " પિચકારી મત માર"' ," આજ બિરજ મે હોલી રે રસીયા "ના ગાન સાથે વૈષ્ણવજનો ઝૂમી ઉઠ્યા હતા. આ તકે પુષ્ટિ ભક્તિમાં લીન સમસ્ત વૈષ્ણવ વૃંદે વલ્લભકુળ પરીવારને ગુલાબપર્ણો થી હોળી ખેલાવી અનેરો ગોપીભાવ પ્રગટ કર્યો હતો.
આ પૂર્વે તાજેતરમાં જ પટેલ પાર્ટી પ્લોટ ખાતે પૂ. પા. ગો. 108 શ્રી રવિ કુમારજી મહારાજશ્રી ની વિશેષ ઉપસ્થિતિઓ સાથે આયોજીત મનોરથ ની જેમ જ નગર સમેત આસપાસના વૈષ્ણવ મહેરામણ ઉમટી પડ્યો હતા.
ઉત્સવના અંતે ભોજન પ્રસાદની વ્યસ્થા કાલોલ વૈષ્ણવ સમાજ તરફથી કરવામાં આવી હતી.