તરણેતરના મેળામાં ગ્રામીણ ઓલિમ્પિક વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. ત્યારે દર વર્ષની માફક આ વર્ષે પણ વિવિધ જિલ્લાઓમાંથી ખેલાડીઓ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે તરણેતર પધાર્યા હતા. કબડ્ડી, માટલાદોડ, નાળિયેર ફેંક, નારગોલ સહિતની દેશી રમતોમાં પોતાનું કૌવત દેખાડતા ખેલાડીઓએ આ સ્પર્ધાઓના આયોજનને બિરદાવ્યું હતું. કબડ્ડીની સ્પર્ધાના ખેલાડી શ્રી અજયભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, "અમે ગામડામાં મોટા થયા છીએ, માટીમાં જ રમ્યા છીએ, જેથી આ ગ્રામીણ ઓલિમ્પિક અમારા જેવા અનેક ખેલાડીઓ માટે ખૂબ જ સારું પ્લેટફોર્મ બની રહ્યું છે. અમને આ સ્પર્ધાઓમાં ભાગ લઈને ખૂબ જ આનંદ થાય છે. હું અને મારા ભાઈઓ ઈચ્છીએ છીએ કે, વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ સુંદર સ્પર્ધાઓ દર વર્ષે આમ જ યોજાતી રહે જેથી અમારા જેવા અનેક ગામડાંના ખેલાડીઓને રમતગમત માટેનું સુંદર પ્લેટફોર્મ મળી રહે."ઉલ્લેખનીય છે કે, તરણેતરના મેળામાં સ્વદેશી રમતોને પ્રાધાન્ય મળી રહે તે માટે ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવે છે. જેમાં રમાડવામાં આવતી રમતોમાં ભાગ લેવા માટે સુરત, તાપી, જુનાગઢ, મોરબી, રાજકોટ સહિતના જિલ્લાઓમાંથી અનેક ખેલાડીઓ તરણેતર પધારે છે.