સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ થાન, ચોટીલા, મૂળી એ વિસ્તાર "પાંચાળ" ગણાય છે. સ્કંદપુરાણ અને પદ્મપુરાણમાં પાંચાળનો ઉલ્લેખ જોવા મળે છે. સૂરજદેવળને મધ્ય માનીને તેની પૂર્વે મૂળી-માંડવરાય, પશ્ચિમે મહીકુ, ઉત્તરે સરામાથક અને દક્ષિણમાં ચોટીલા અને આણંદપર એમ ૧૯૬ માઈલના ક્ષેત્રફળમાં આ પરગણાનો વિસ્તાર છે.આ પંથકને અહીંની પ્રજા 'દેવકો પાંચાળ દેશ' પણ કહે છે. કિંવદંતી અનુસાર, પાંડવો આ ભૂમિ પર આવેલા. દ્રોપદી અર્થાત પાંચાલીના નામ પરથી આ પ્રદેશ "પાંચાળ" કહેવાયો હોવાનું અનુમાન કરવામાં આવે છે. અર્જુને મત્સ્યવેધ અહીં કરેલો. આ વિસ્તારમાં ત્રિનેત્રેશ્વર મહાદેવના સાંનિધ્યમાં વિશ્વવિખ્યાત તરણેતરનો મેળો યોજાય છે. પાંચાળ ભૂમિની તળપદા કોળી અને માલધારી સમાજમાં આ મેળાનું સૌથી વધુ મહત્વ છે.તરણેતરના મેળામાં રૂપાળા ભરત ભરેલ, મોતી, બટનિયાં, આભલાં, પાઘડી અને રૂમાલથી શણગારેલી છત્રીઓ આકર્ષણનું કેન્દ્ર હોય છે. સૌરાષ્ટ્રભરમાં અને પાંચાળ પ્રદેશમાં ફક્ત એક જ જગ્યાએથી પાઘડીઓ અને છત્રીઓ બનાવીને મોકલવામાં આવે છે. તે પછી સૌરાષ્ટ્રના કોઈપણ ગામ કે શહેરમાં, કોઈ નેતા કે અભિનેતાના સન્માનમાં થાનમાં આવેલી ભાયાભાઈની દુકાનની જ પાઘડીઓ હોય છે. પેઢી દર પેઢી લુપ્ત થતી આ કલાનો વારસો ભાયાભાઈનું કુટુંબ સાચવતું આવ્યુ છે. હાલ અમિતભાઈ દરજી આ વારસો આગળ ધપાવી રહ્યા છે.આ અંગે અમિતભાઈ જણાવે છે કે, મારા પિતા ભાયાભાઈના વારસાને આગળ વધારવા માટે હું આજે પણ આ વ્યવસાય કરી રહ્યો છું. પહેલાના જમાનામાં પાઘડીઓ હેલ્મેટનું કામ કરતી હતી, તે યુદ્ધધીંગાણે માનવીનું રક્ષણ કરે છે. હું દરબારી અને ભરવાડી એમ બે પ્રકારની પાઘડીઓ બનાવું છું. હેન્ડવર્ક અને મશીનવર્કથી પાઘડીની કલાત્મક ડિઝાઇન બને છે. એક પાઘડીને બનતા એક દિવસ જેટલો સમયગાળો લાગે છે. મારી પાસે રૂપિયા ૫૦૦ થી લઈને ૨૦૦૦ સુધીની પાઘડીઓ હોય છે. નાનાભાઈ ભરવાડ અને મોટાભાઈ ભરવાડમાં પાઘડીઓનું વિશેષ મહત્વ હોવાથી તેઓ મોટા પ્રમાણમાં ખરીદી કરે છે. પાઘડીઓની સાથે સાથે અમે છત્રીઓ પણ બનાવી છીએ. અમારી પાસે એમ્બ્રોડરી વર્ક, આરી વર્ક, હાથ ભરત, કચ્છી ભરત, જરદોશી ભરત એમ અલગ અલગ ભરતની છત્રીઓ હોય છે. છત્રીઓનાં કાંટા અમે બહારથી લાવીને જાતે જ ફીટ કરીએ છીએ. ૧૦૦ ઇંચથી માંડીને આખા હોલને થઈ જાય એવડી મોટી છત્રીઓ અમે બનાવીએ છીએ.વધુમાં તેઓ જણાવે છે કે, હાલમાં જ તરણેતરના મેળા માટે અમે ૩૫૦ મીટર કાપડમાંથી મોટી છત્રી બનાવી છે. દિવસ રાત મહેનત કરી ૨૫ થી ૩૦ દિવસમાં આ છત્રીઓ તૈયાર કરી છે. છત્રીને બનાવવા માટે માત્ર મજૂરીના જ પૈસા લીધા છે. ઘરનો મેળો સમજીને કમાવાની કોઈ ભાવના રાખી નથી અને લોક સંસ્કૃતિ જળવાઈ રહે એવો પ્રયત્ન અમારા દ્વારા કરવામાં આવ્યો છે. અમારી પાસે ૨૦૦ રૂપિયાથી ચાલુ કરીને ૭૦૦૦ રૂપિયાની કિંમત સુધીની છત્રીઓ છે. આ કામમાં મારી સાથે ૨૦ થી ૨૫ બહેનો જોડાયેલી છે. જે હાથભરત અને છત્રીમાં ટાંકા મારી આભલાં, ટીકી, લટકણ કરવાનું કામ કરતી હોય છે. અમારી છત્રીઓની ઘણી જગ્યાએ માંગ છે. કેરળ, દેશ-વિદેશમાં, મોટા મોટા મંદિરોમાં અને ખાસ કરીને તરણેતરના મેળામાં અમારી મોરવાળી છત્રી આગવું આકર્ષણ ધરાવે છે.વધુમાં અમિતભાઈ આનંદ સાથે જણાવે છે કે, આઈ.પી.એલ. - ૯ માં ગુજરાત લાયન્સના સુરેશ રૈના, બ્રાવો, જેમ્સ ફોકનર, રવિન્દ્ર જાડેજા સહિતના તમામ ખેલાડીઓએ અમારી છત્રી, પાઘડી, લાકડી, કેડિયું, કોટી પહેરી હતી. કૌન બનેગા કરોડપતિ અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પણ અમારી છત્રી આવી ગઈ છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિત શાહ, સાંઈરામ દવે, અરવિંદ વેગડા, હકાભા ગઢવી અને મોટા ભાગના રાજકીય નેતાઓના સન્માનમાં અમારી છત્રી અને પાઘડીઓ જાય છે. સોનિયા ગાંધીને પણ અમે હાથ ભરેલું પર્સ આપ્યું હતું.આમ, તરણેતરની આગવી ઓળખ સમી રંગબેરંગી છત્રીઓએ અનેરા આકર્ષણ સાથે દેશના સીમાડાઓ વટાવી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરી છે.