ભીલડી પોલીસે શનિવારે રાત્રે બાતમીના આધારે ડીસાના વડાવળ પાટિયા નજીક કારીમાંથી રૂ.1.75 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો હતો. જ્યારે કાર ચાલકે ગાયને અડફેટે લેતાં તેનું મોત નિપજ્યું હતું. કાર ચાલક કાર મૂકી નાસી ગયો હતો.

ભીલડી પીએસઆઈ તેમજ સ્ટાફ શનિવારે રાત્રિના સમયમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી કે, વિદેશી દારૂ ભરેલી કાર આવી રહી છે. જેથી ભીલડી પોલીસે વડાવળ પાટીયા પાસે નાકાબંધી કરી તે દરમિયાન 10-30 વાગ્યાના સમયમાં ડીસાથી ભીલડી તરફ કાર આવતા ભીલડી પોલીસે રોકવાનો ઈશારો કરતા કાર ચાલકે કાર રોકી ન હતી.

જે કાર ચાલક દ્વારા નાકાબંધી તોડી પોતાની કાર ભીલડી તરફ પૂરઝડપે ભગાડતા ભીલડી પોલીસ દ્વારા તે કારનો પીછો કરતાં સાંડીયા ગામના પાટીયાથી ડીસા તરફ અતિથી હોટલની સામે હાઇવે ઉપર રખડતી ઉભેલી ગાય સાથે અથડાઈ જતા કાર હાઇવે રોડ પરથી નીચેના ભાગે ચોકડીઓમાં ઉતરી ગઇ હતી.

જોકે, ચાલક કાર મૂકી ખેતરોમાં થઇ અંધારાનો લાભ લઇ નાશી ગયો હતો. ગાયને અડફટે લેતાં ગાયનું મોત નિપજ્યું હતું. પોલીસે કારમાં તપાસ કરતા વિદેશી દારૂની બોટલો તથા બીયર ટીન મળી કુલ નંગ-475 રૂ.1,75,780 અને કાર મળી કુલ રૂ.11,75,780 નો મુદ્દામાલ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.