પાવીજેતપુર તાલુકાના ભેંસાવહી ગામના ભેંસા કોતરમાંથી ૭.૫ ફૂટનો મગર પકડાયો

            પાવીજેતપુર તાલુકાના ભેંસાવહી ગામે આવેલ ભેંસા કોતરમાંથી ગામના યુવાનો દ્વારા ૭.૫ ફૂટ જેટલો લાંબો મગર પકડી પાડી જંગલ ખાતાને સુપ્રત કરવામાં આવ્યો હતો. 

           પ્રાપ્ત માહિતી મુજબ ભેંસાવહી ના ભેંસા કોતરના કિનારે આજે સવારે મગર દેખાયો હતો. સ્વાભાવિક રીતે જ કિનારા ઉપર મગર દેખાતા આજુબાજુના રહીશો ગભરાઈ ગયા હતા. ગામમાં ખબર પડતાં લોક ટોળા મગર નિહાળવા દોડી આવ્યા હતા. ગામના નાયક સમાજના અલ્પેશભાઈ અને તેમના બે મિત્રો તથા ગામના અન્ય યુવાનો બપોર ના સમયે ભેંસા કોતરના કિનારે આવીને બેસી ગયા હતા. લાંબો સમય બેસી રહ્યા બાદ મગરની પૂંછડી કોતરના કિનારા ઉપર દેખાતા યુવાનો પૂંછડીને પકડી મગરને બહાર ખેંચી કાઢ્યો હતો. બહાર ખેંચી કાઢી તાત્કાલિક કપડાથી મોઢુ દાબી દીધું હતું. 

દોરડાથી મોઢુ , તેના પગ અને પૂંછડી બાંધી દીધા હતા. દોરડાથી બાંધ્યા બાદ જોતા ૭.૫ ફૂટ જેટલો લાંબો મગર હતો. મગર પકડાયાની વાત ગામમાં તેમજ આજુબાજુના ગામમાં ખબર પડતા લોક ટોળા મગર નિહાળવા દોડી આવ્યા હતા. અંતે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને જાણ કરતા તેઓની ટીમ ગાડી સાથે આવી પહોંચી હતી. ગામ લોકોના સહકારથી મગરને ગાડીમાં હલાવી પાવીજેતપુર જંગલ ખાતેની ઓફિસે લાવવામાં આવ્યો હતો. જંગલ ખાતાની ઓફિસમાં મગરને નિરીક્ષણ હેઠળ રાખી આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે.

         આમ, પાવીજેતપુર તાલુકાના ભેંસા કોતરમાંથી ગામના જ યુવાનો દ્વારા મગરને પકડી પાડી જંગલ ખાતાની સોંપી મગર ની દહેશત માંથી ગામ લોકો ને મુક્ત કરાયા હતા.