ડીસા તાલુકાના રાણપુર નજીક બનાસ નદીના પટમાં ગેરકાયદેસર માટીનું ખોદકામ કરવાની પ્રવૃતિનો પર્દાફાસ થયો હતો. જ્યાંથી બનાસકાંઠા ભૂસ્તર વિભાગની ટીમે 5 હિટાચી મશીન અને 12 વાહનો કબ્જે લઇ દંડનાત્મક કાર્યવાહી હાથ ધરી હતી.
ડીસા પાસે બનાસ નદીમાં રાણપુર નજીક મોટાપાયે ચાલતા માટી ખનન અંગે જીલ્લા ભૂસ્તરશાસ્ત્રી ગુરુપ્રીતસિંહ સારસ્વાએ જણાવ્યું હતું કે, ટીમ સાથે ખાનગી વાહન કેમ્પર લઈને નદીમાં ઉતર્યા હતા. જોકે વાહન નદીમાં ફસાઈ જતા એક કિલોમીટર સુધી દોડીને ગેરકાયદેસર ખોદકામ ચાલતું હતું ત્યાં પહોંચ્યા હતા.
તેમજ તાત્કાલિક ડીસા તાલુકા પોલીસને જાણ કરતા પીઆઈ એ.વી. દેસાઈએ બે વાહનોમાં તાલુકા સ્ટાફની ટીમને મોકલી આપી હતી. જ્યાંથી પાંચ એસ્કેવેટર મશીનો ( હિટાચી ) આઠ ડમ્પર, તેમજ ચાર ટ્રેલર સહિતનો મુદ્દામાલ કબ્જે લઇ દંડનાત્મક કાર્યવાહી હાથ ધરી હતી.
માપણી કર્યા પછી દંડની રકમ નક્કી કરવામાં આવશે તમામ વાહનો પોલીસ મથકે લાવ્યા હતા. દરમિયાન જીલ્લા ભૂસ્તર વિભાગ દ્વારા વાહનોનો દંડ તેમજ ગેરકાયદેસર રીતે થયેલા ખોદકામ બાબતે માપણી કરી દંડ વસૂલ કરવામાં આવશે.