વર્ષ 2002માં થયેલાં ગુજરાતમાં કોમી રમખાણો દરમિયાન બિલકીસબાનોના પરિવારના 14 લોકોની હત્યા કરી દેવાઈ હતી અને તેમના પર સામૂહિક બળાત્કાર પણ ગુજારાયો હતો.
હત્યા કરી દેવાયેલા લોકોમાં બિલકીસની પુત્રીનો પણ સમાવેશ થતો હતો. બિલકીસ તે સમયે 20 વર્ષની વયે ગર્ભવતી હતાં.બિલકીસબાનો ગૅંગરેપ કેસના 11 દોષિતો ગોધરા સબજેલમાં સજા ભોગવી રહ્યા હતા. આ લોકોને ગુજરાત સરકારની સજામાફી નીતિ હેઠળ આજે 15મી ઑગસ્ટે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.
પંચમહાલના કલેક્ટર સુજલ માયાત્રાએ સમાચાર સંસ્થા પીટીઆઈને કહ્યું, " થોડાક મહિનાઓ પહેલાં એક કમિટી રચવામાં આવી હતી જેણે આ કેસના 11 દોષિતોના પક્ષમાં સામૂહિક નિર્ણય લીધો હતો. રાજ્ય સરકારને ભલામણ મોકલવામાં આવી હતી અને ગઈકાલે નિર્ણય રિલીઝ કરવામાં આવ્યો હતો. "
સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર 21 જાન્યુઆરી 2008ના મુંબઈની વિશેષ સીબીઆઈ અદાલતે ગૅંગરેપ અને બિલકીસ બાનોના સાત પરિવારજનોની હત્યાના આરોપમાં 11 લોકોને દોષિત ઠેરવ્યા હતા અને તેમને આજીવન કારાવાસની સજા સંભળાવવામાં આવી હતી. બૉમ્બે હાઈકોર્ટે સજાને યથાવત્ રાખી હતી.
આ દોષિતોએ જેલમાં 15 વર્ષથી વધુ સમય કાપ્યો હતો અને એક દોષિતે સુપ્રીમ કોર્ટમાં પ્રિમૅચ્યોર રિલીઝ માટે અરજી કરી હતી.
સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને આ મામલે સજામાફી અંગે વિચારણા કરવા કહ્યું હતું અને સરકારે એક કમિટીની રચના કરી હતી. પંચમહાલના કલેક્ટર સુજલ માયાત્રા આ પૅનલના અધ્યક્ષ હતા.અગાઉ એપ્રિલ 2019માં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને બિલકીસબાનોને વળતર પેઠે રૂ. 50 લાખ ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપક ગુપ્તાની ખંડપીઠે આ વચગાળાનો નિર્દેશ આપ્યો હતો.
રિપોર્ટર :વારિસ સૈયદ
હિંમતનગર