તળાજામાં બે વર્ષ પહેલા પૈસાની લેતી-દેતી મામલે થયેલી મારામારીની અદાવત રાખી એક યુવાનને સાત શખ્સે ઉભો રાખી છરીના ઘા ઝીંકી, પાઈપ અને ધોકા વડે હાથ-પગ ભાંગી નાંખતા ઈજાગ્રસ્તને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં યુવાને દમ તોડી દેતા મારામારીનો બનાવ હત્યામાં પરિણમ્યો હતો.આ હત્યાના કેસમાં પોલીસે બે સગીરને ઝડપી લીધા હતા.

ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ તળાજા શહેરના દિનદયાળનગર, બાલા ઝબ્બરની વાડી પાસે રહેતા રવિભાઈ દિલુભાઈ મકવાણા (ઉ.વ.૩૪)ના કાકાના દિકરા બાલાભાઈને પૈસાની લેતી-દેતી મામલે બે વર્ષ પહેલા રેલવે પાટા પાસે મારામારી થઈ હતી.ત્યારે ઈમ્તિયાઝ ઉર્ફે સાકાલ નામના શખ્સે ગમે ત્યારે મારી નાંખીશ તેવી ધમકી આપ્યા બાદ યુવાન અમદાવાદ ખાતે ફોરવ્હીલ રિપેરીંગ કરાવવા ગયો હતો. તે સમયે પણ શખ્સે ઝઘડો કરવા ગાળો બોલી હતી. દરમિયાનમાં ગત તા.૨૩-૮ને શુક્રવારે સાંજના સમયે રવિભાઈ મકવાણા પોતાની એક્ટીવા લઈ શિવમ હોટલ ખાતે ચા લઈને આવી રહ્યા હતા.ત્યારે ઈમ્તિયાઝ ઉર્ફે સાકાલખાતે ચા લઈને આવી રહ્યા હતા.ત્યારે ઈમ્તિયાઝ ઉર્ફે સાકાલ મહમદભાઈ પઠાણે ટીવીએસ શો-રૂમ સામે આવી યુવાનની એક્ટીવા સાથે તેની એક્ટીવા ભટકાડી દીધા બાદ ઈમ્તિયાઝ ઉર્ફે સાકાલ, સાકીર મહમદભાઈ પઠાણ, સમીર કાળુભાઈ લીંબુવાળા, ફૈઝલ ઉર્ફે બતક ફિરોઝભાઈ, સુરજ સુરેન્દ્રભાઈ ચૌધરી અને અન્ય બે મળી સાત શખ્સે આવી રવિભાઈને છરીના ઘા ઝીંકી લોખંડના પાઈપ, ધોકાથી આડેધડ માર મારી બન્ને પગ અને જમણો હાથ ભાંગી નાંખી તેમજ શરીરે ગંભીર ઈજા પહોંચાડી હતી. ઈજાગ્રસ્તને તળાજાની હોસ્પિટલ બાદ ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં યુવાનનું સારવારમાં મોત નિપજતા પોલીસે સાતેય શખ્સ સામે હત્યાની કલમનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરી યુવકની હત્યામાં સંડોવાયેલા શખ્સને ઝડપી લીધા હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.