ડીસાના જુનાડીસા ગંગાજી વ્હોળા પાસે ભયજનક ડિવાઇડર પર વધુ એક અકસ્માત સર્જાયો છે. આ રસ્તાની ડિઝાઇન યોગ્ય ન હોવાથી ટુ લેન રોડમાંથી અચાનક ફોરલેન રોડ આવી જતો હોઇ રસ્તા વચ્ચેનું ડીવાઇડર ન દેખાતા કાર ડીવાઇડરને અથડાતા કાર પલટી ખાઇ ગઇ હતી. જેમાં ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.
ડીસા-પાટણ હાઈવે પર જુનાડીસા પાસે ગંગાજી વ્હોળામાં સ્ટેટ હાઇવે દ્વારા વ્હોળાનો ડીપ પહોળો કરી ફોર લેન રસ્તો બનાવાયો છે. રસ્તા વચ્ચે ડિવાઇડર મૂકવામાં આવ્યું છે. જોકે, ટુ લેન રસ્તામાંથી તરત જ ફોરલેન રસ્તો આવતો હોય અચાનક ડિવાઈડર આવી જતું હોવાના કારણે વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. અગાઉ ડિવાઇડર પર કોઈ જ રેડિયમ પટ્ટો કે સાઇન બોર્ડ લગાવેલું ન હોવાથી રાતના સમયે ડિવાઈડર બિલકુલ દેખાતું ન હતું.
જેમાં અનેક અકસ્માતો થયા બાદ જોકે, સ્ટેટ હાઇવે દ્વારા સાઈન બોર્ડ અને રેડિયમ પટ્ટા લગાવવામાં આવ્યા હતા. પરંતુ ટૂંલેન રસ્તામાં સ્પીડથી વાહન આવતું હોય અને તુરંત જ ફોરલેન રસ્તો આવી જતા વચ્ચે વચ ડિવાઇડર આવતું હોવાથી ઘણી વખત વાહનચાલકો સમજે તે પહેલાં જ ડિવાઇડર સાથે અથડાઈ જતા હોય છે.
આ બાબતે રસ્તાની ડિઝાઇન યોગ્ય રીતે કરવા અનેક વખત રજૂઆત કરાઈ હોવા છતાં અધિકારીઓને પેટનું પાણી હાલતું નથી. અગાઉ પણ આ ડિવાઈડર પર અથડાઈને અનેક લોકોએ જાન ગુમાવ્યા છે. ત્યારે આજે ડીસા તાલુકાના ઝાબડિયા ગામથી ડીસા તરફ તરફ જઈ રહેલી ઇકો કારને ડિવાઈડર ન દેખાતા ડિવાઇડર પર ચઢી જતા કાર પલટી ખાઈ ગઈ હતી. જેમાં ચાલક ઇજાગ્રસ્ત થતા ડીસા સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે લવાયો હતો.