ભાભરના મીઠા ગામની થળીમાં યુવક-યુવતીએ ઝાડની ડાળીએ દોરડા વડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ગુરુવારે સવારે આ ઘટનાને પગલે લોકો ઉમટ્યા હતા. યુવક-યુવતી રાધનપુર તાલુકાના નાનાપુરા ગામના હોવાનું ખૂલ્યું હતું.બંનેની આત્મહત્યાને લઈ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
ભાભરના મીઠા, તેરવાડા, જાસનવાડા ત્રણ ગામની આડવટ પાસે ઝાડની ડાળીએ દોરડા વડે એક યુવતી અને એક યુવક બન્ને જણા અગમ્ય કારણોસર પોતાના ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી.
આ અંગેની જાણ ગુરુવારે વહેલી સવારે આજુબાજુના ખેતરોના રહીશોને થતાં ત્યાં ટોળાં એકઠાં થયાં હતાં. લોકો દ્વારા ભાભર પોલીસને જાણ કરતા ભાભર પીએસઆઈ એન.પી.સોનારા સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને વધુ તપાસ હાથ ધરતા આ બંને જણા રાધનપુર તાલુકાના નાનાપુરા ગામના કાજલબેન દલાભાઇ ઠાકોર તથા શૈલેષ વાલાભાઇ ઠાકોર બંને ગુમ હોઇ અને બંનેના કુટુંબીજનો શોધખોળ કરતાં હતા.
ભાભર તાલુકાના મીઠા ગામની સીમ નજીક એક યુવક-યુવતીએ ગળા ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની જાણ થતાં પરિવારજનો દોડી આવ્યા હતા અને ઘટના સ્થળે ગુમ યુવક-યુવતીના સબંધીઓએ ઓળખ આપી હતી. ભાભર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી વધુ તપાસ શિહોરી પોલીસ ચલાવી રહી છે.