ડીસામાં તાંત્રિક વિધિ કરી વશીકરણ અને મેલી વિદ્યાના નામે છેતરપિંડી કરતાં બે ઈસમોને ડીસા શહેર દક્ષિણ પોલીસે અટકાયત કરી છે. ડીસાના એક વકીલે ન્યૂઝ પેપરમાં જાહેરાત વાંચી વશીકરણના નામે ચાલતી છેતરપિંડીનો પર્દાફાશ કર્યો હતો.
આ અંગેની વિગત એવી છે કે, ડીસાના વકીલ ધર્મેન્દ્ર ફોફાણીએ અખબારમાં એક પેમ્પલેટમાં માજિસા દર્શન જ્યોતિષ નામની જાહેરાત જોતા તેમાં વશીકરણ તેમજ અનેક પ્રશ્નોનોનું નિવારણ લાવી આપતા હોવાનું જણાવ્યું હતું. જેથી વકીલે તેઓને ફોન કરતા તેઓએ કચ્છી કોલોની કૃષ્ણનગર ભાગ બે માં એક મકાનમાં ઉપરના ભાગે બોલાવ્યા હતા. જેથી વકીલ તેઓના સાથે મિત્ર યોગેશ ગોસ્વામી સાથે જતા અંદર એક વ્યક્તિ ભગવા કપડામાં બેઠેલો હતો તેમજ ગાદી ઉપર અનેક દેવી-દેવતાઓના ફોટા લગાવેલા હતા. વકીલે તેનું નામ પૂછતા તેને અમિત કમલકિશોર જોષી રહે. અમદાવાદ હોવાનું જણાવ્યું હતું.
જેથી વકીલે હેતુલક્ષી વાતચીત કરતા તેઓને એક વ્યક્તિનું વશીકરણ કરવું છે તેમ જણાવ્યું હતું. જેથી સામેના તાંત્રિકે તેઓને મૂઠચોટ કરી મારી નાખવાના 27,000, શરીરે લકવો કરવાના 11,000 તેમજ વશીકરણ કરવાના 11,000 એમ અલગ અલગ ભાવ જણાવ્યા હતા.
જ્યારે તેણે પોતે અલગ-અલગ લોકોના કામ કરેલા હોય તે ચોપડા બતાવ્યા હતા તેમજ ફોન પે માં લોકોએ નાણા ટ્રાન્સફર કર્યા હોય તેની એન્ટ્રીઓ પણ બતાવી હતી.
જોકે, વકીલે મારી પાસે આજે આટલા પૈસા નથી હું કાલે પૈસા લઈને આવીશ તેમ કહેતા તાંત્રિકે સો રૂપિયા આપવાનું જણાવી પૈસા લઈને આવો ત્યારે કામ કરી આપીશ તેમ જણાવ્યું હતું. જેથી વકીલે આ બાબતે સીધા ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે આવી વશીકરણ અને છેતરપિંડી કરતા અમિત કમલકિશોર જોષી તેમજ અન્ય એક ઈસમ સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.