છોટાઉદેપુર જિલ્લા સ્વતંત્ર દિનની ઉજવણી પાવીજેતપુર ખાતે ખૂબ જ ઉત્સાહ ઉમંગ સાથે કરવામાં આવી હતી.
ભારત દેશને મળેલ આઝાદીને ૭૫ વર્ષ થતા આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણી ના ભાગરૂપે હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગાનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે શેરીએ શેરીએ ઘરે ઘરે તિરંગા લહેરાવવામાં આવ્યા હતા. ત્યારે છોટાઉદેપુર જિલ્લાનો ૭૬મો સ્વાતંત્ર પર્વ પાવીજેતપુર સેવાશોદન પાછળના મોટા મેદાનમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી નિમિષાબેન સુથારના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો.
છોટાઉદેપુર જિલ્લાનો પર્વ પાવી જેતપુર ખાતે યોજવામાં આવ્યો હોય ત્યારે પાવીજેતપુર તાલુકાની શાળાઓ તેમજ મુખ્ય મથકોના ધ્વજવંદનના કાર્યક્રમો વેહલા પતાવી મોટી સંખ્યામાં લોકો જિલ્લા રાષ્ટ્રીય પર્વની ઉજવણી માટે રતનપુરના મેદાનમાં ઉપસ્થિત થઈ ગયા હતા. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી નિમિષાબેન સુથારના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું તેમજ તેઓએ પ્રાસંગિક પ્રવચન કરી સરકારે કરેલા કામો ની વિગતવાર વાત કરી હતી.
જિલ્લા રાષ્ટ્રીય પર્વમાં પોલીસ દ્વારા વિવિધ પરેડો રજૂ કરવામાં આવી હતી. તેમજ જિલ્લાની શાળાઓના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં પાવીજેતપુર હાઈસ્કૂલના બાળકો દ્વારા વિવિધ પિરામિડો બનાવી સુંદર દ્રશ્યો સર્જી આખું વાતાવરણ દેશભક્તિમય બનાવી દીધુ હતું. તેમજ " ગુજરાતીઓ અમે લેરી લાલા " બાળકોએ રજૂ કરી વાતાવરણમાં એક અલગ પ્રકારનો આનંદ પ્રસરાવી દીધો હતો. આ સમયે જિલ્લામાં દરેક ક્ષેત્રમાં સુંદર કામગીરી કરનાર કર્મચારીઓને સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.