વિસનગરના કમાણા ચાર રસ્તા પાસે વિસ્તારમાં ભિક્ષાવૃત્તિ કરવા મુદ્દે બે વ્યંઢળો વચ્ચે માથાકૂટ થઇ હતી. જેમાં વ્યંઢળ અને તેના સાથે રહેલા શખ્સોએ કરેલા હુમલામાં 3 વ્યંઢળોને ગંભીર ઇજા પહોંચી હતી. બનાવ અંગે શહેર પોલીસે વ્યંઢળ સહિત 4 સામે જીવલેણ હુમલાની ફરિયાદ નોંધી છે.
શહેરના ભાથીટેબા વિસ્તારમાં રહેતા રજનીકાન્ત ઉર્ફે બીટ્ટુમાસી પ્રવિણભાઇ પવૈયા તેમની સાથે પાવૈયા નયનાદે કપિલાદે, પાવૈયા સંધ્યાદે નયનાદે, પાવૈયા કનકદે નયનાદે, પાવૈયા કુંજલદે નયનાદે અને પાવૈયા અંકિતાદે બીટ્ટુદે, પાવૈયા પારસદે સંધ્યાદે વિસનગર, વડનગર, સતલાસણા વિસ્તારમાં ભિક્ષાવૃત્તિ કરે છે.
આ સિવાય ગંજી વિસ્તારમાં રહેતા રાવળ રાહુલભાઇ ઉર્ફે રીયામાસી પણ આ વિસ્તારમાં ભિક્ષાવૃત્તિ કરતાં હોઇ તેમને બીટ્ટુમાસી ના પાડતાં હતા. શનિવારે બીટ્ટુમાસી સહિત 6 વ્યંઢળો બે રિક્ષામાં બેસી ભિક્ષાવૃત્તિ કરવા નીકળ્યા હતા, ત્યારે રીયામાસીઅ કુંજલદેને ફોન કરી કમાણા ચોકડી વાતચીત કરવા બોલાવ્યા હતા.
જ્યાં રીયામાસી, તેમની માતા સવિતાબેન, પિતા રમણભાઇ અને ઠાકોર સુરેશજી ઉભા હતા અને બીટ્ટુમાસીને જોઇ અપશબ્દો બોલવા લાગતાં તેમણે અપશબ્દો બોલવાની ના પાડતાં રીયામાસી સહિતે ઝપાઝપી કરી હતી. સુરેશજી ઠાકોરે બીટ્ટુમાસી ઉપર છરી વડે તેમજ રીયામાસીએ પાઇપ વડે હુમલો કર્યો હતો.
જ્યારે નયનાદે અને સંધ્યાદેને રીયામાસીએ પાઇપ વડે માર માર્યો હતો.ગંભીર રીતે ઘાયલ બીટ્ટુમાસી સહિત 3ને સારવાર અર્થે વિસનગર સિવિલ હોસ્પિટલમાં લવાયા હતા. જ્યાંથી બીટ્ટુમાસીને વધુ સારવાર અર્થે વડનગર સિવિલમાં ખસેડાયા છે. જે બનાવ અંગે બીટ્ટુમાસીએ રીયામાસી, તેમની માતા સવિતાબેન, પિતા રમણભાઇ અને ઠાકોર સુરેશજી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.