પાલનપુર તાલુકાના મલાણા ગામના ગાયક કલાકાર યુવકનું બાઇક સ્લીપ થઇ જતાં મોત થયું હતું. યુવક અને તેનો મિત્ર મહેસાણા સત્સંગના કાર્યક્રમમાંથી મંગળવારે મોડી રાત્રે પરત આવી રહ્યા હતા. ત્યારે સિધ્ધપુર નજીક બાઇક સ્લીપ થતાં અકસ્માત નડ્યો હતો. આ અંગે બાઇકની પાછળ બેઠેલા કિશોરે સિધ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પાલનપુર તાલુકાના મલાણા ગામના આશાસ્પદ ગાયક કલાકાર તુષારકુમાર મુકેશભાઇ સોમેશ્વર અને તેનો મિત્ર મડાણાનો વિશ્વાસ તુલસીભાઇ દરજી મહેસાણામાં સત્સંગના કાર્યક્રમમાં ગયા હતા. જ્યાંથી મોડી રાત્રે બાઇક નં. જીજે. 08. ડી.એચ. 3318 ઉપર પરત આવી રહ્યા હતા.

ત્યારે સિધ્ધપુર કાકોશી ચાર રસ્તા નજીક બાઇક સ્લિપ થઇ ગયું હતું. અકસ્માતમાં ગંભીર ઇજા થતાં તુષારનું મોત થયું હતુ. જ્યારે વિશ્વાસને ઇજા થતાં 108 દ્વારા સિધ્ધપુરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે તેણે સિધ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં તપાસ હાથ ધરી છે.