અમીરગઢ તાલુકાના ખારા ગામનો પરિવાર બુધવારે સવારે ગામ નજીક આવેલા તળાવમાં દશામાંની મૂર્તિ પધરાવવા ગયો હતો. જ્યાં ઉંડા પાણીમાં બે ભાઇઓના ડૂબી જતાં મોત થયા હતા. પરિવારજનો મૂર્તિ પધરાવીને ઘરે ગયા ત્યારે બંને ભાઇઓ ન આવતાં પરત આવી તપાસ કરતાં બંનેના તળાવમાંથી મૃતદેહો મળ્યા હતા. જોકે, આ અંગે પોલીસ મથકે જાણ કરવામાં આવી ન હતી.
અમીરગઢ તાલુકાના ખારા ગામનો પરિવાર બુધવારે સવારે ગામ નજીક આવેલા ખારા માનપુરીયા તળાવમાં દશામાંની મૂર્તિનું પધરાવવા ગયો હતો. જેઓ મૂર્તિ પધરાવી ઘરે પરત આવ્યા હતા. ત્યારે ખબર પડી હતી કે, વિક્રમભાઇ લેરાભાઇ ગરાસીયા (ઉ.વ.21) અને બકાભાઇ લેરાભાઇ ગરાસીયા (ઉ.વ.17) પરત આવ્યા નથી. આથી પરિવારજનો તળાવે પરત ગયા હતા.
જ્યાં તપાસ કરતાં બંને ભાઇઓના પાણીમાં ડૂબી ગયેલા મૃતદેહો મળ્યા હતા. ઘટનાને પગલે પરિવારમાં આઘાત સાથે શોક પ્રસરી ગયો હતો. જોકે, આ અંગે પોલીસ મથકે જાણ કરવામાં આવી ન હોવાનું અમીરગઢ પોલીસ મથકના સૂત્રોએ જણાવ્યું હતુ.
પરિવાર મૂર્તિનું વિસર્જન કરવા આવે છે. ત્યારે એક યુવક આરતી ઉતારતો હોય તેવો તેમજ તળાવના ઉંડા પાણીમાં જવાનું કહેતો વિડીયો વાયરલ થયો હતો.