દાંતાની પાન્સા શાળાની શિક્ષિકાની વિદેશ વસવાટની ઘટના બાદ હવે સરહદી વાવ તાલુકાના જુદા જુદા 2 ગામોમાં પણ સતત બે વર્ષથી એક શિક્ષક અને એક શિક્ષિકા સતત ગેર હાજર રહે છે. શાળાઓના આચાર્ય તેમજ વાવની શિક્ષણ શાખા દ્વારા પણ જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆતો કરવા બાદ ઉચપા પ્રાથમિક શાળાના શિક્ષક દર્શનભાઈ ચૌધરીને બરતરફ કરાયા છે. જ્યારે શિક્ષિકા સામે હજુ કોઈ કાર્યવાહી કરાઈ નથી.

વાવ તાલુકાની ઉચપા પ્રાથમિક શાળામાં જિલ્લા ફેર બદલીમાં ખેડા જિલ્લામાંથી દર્શન ચૌધરી આવ્યા હતા. તેઓ થોડા મહિના ફરજ ઉપર રહી છેલ્લા બે વર્ષથી સતત ગેરહાજર છે. તેઓ પણ કેનેડા ગયા હોવાની ચર્ચા છે. આચાર્ય દ્વારા મોકલેલી નોટિસો તેમના વતન ખેડા જિલ્લામાં આવેલા ખાટા ગામમાં કોઈ લેતું ના હોઈ પરત આવે છે. જેને લઇ તેમના વિરૂદ્ધ લેખિત રજૂઆત પણ કરેલી છે. તેમજ શિવમ્ (ગં) પ્રાથમિક શાળાના શિક્ષિકા હસ્મિતાબેન ગોવિંદભાઈ ચૌધરી પણ રજા મૂક્યા વગર બે વર્ષથી સતત ગેરહાજર છે. આચાર્ય દ્વારા તેમને પણ નોટિસો આપવા છતાં હાજર થયેલા નથી.

આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. વિનુભાઈ પટેલે જણાવ્યું હતું કે, વાવ તાલુકાની ઉચપા પ્રાથમિક શાળાનાં શિક્ષક દર્શનભાઈ ચૌધરી સતત એક વર્ષથી ગેરહાજર હતા. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા જિલ્લા કક્ષાએ રિપોર્ટ કરતા જિલ્લા કક્ષાથી ત્રણ નોટિસ પાઠવવામાં આવી હતી. પરંતુ શિક્ષક દર્શન ચૌધરી દ્વારા ત્રણ નોટિસનો કોઈ પ્રત્યુતર ન આપતા ગયા મહિને નોકરીમાંથી બરતરફીનો હુકમ કરવામાં આવ્યો હતો. તેમની સામેની તમામ શિક્ષાત્મક કાર્યવાહી પણ પૂર્ણ કરવામાં આવી છે.

વાવ તાલુકાની ભડવેલ પ્રા. શાળામાં શિક્ષિકા સાત માસથી અને મીઠાવીચારણ ગામની પ્રા.શાળામાં પણ શિક્ષિકા પાંચ - છ માસથી પગાર કપાત રજા છે. હજી હાજર થયેલ નથી.તો પાંચ શિક્ષકો જિલ્લા ફેર બદલી કરેલ હોવા છતાં વાવ તાલુકાની પ્રા.શાળાઓમાં હજી સુધી હાજર પણ થયેલ નથી.

ચૌધરી દિલીપભાઈ પ્રહલાદભાઈ નર્મદા જિલ્લામાંથી 16 જૂન -2021થી જિલ્લા ફેર બદલી વાવ તાલુકાના તખતપૂરા(ઢીમા) પ્રા.શાળામાં અને દેસાઈ પિરાભાઈ નારણભાઈ રાપરથી જિલ્લા ફેર બદલીમાં વાવના બરડવી ગામની પ્રા.શાળામાં 15 જૂન-2021નો ઓર્ડર થયેલ હોવા છતાં હજી સુધી હાજર થયેલા નથી. આટલા વર્ષો થવા છતાં હાજર થયેલ ના હોવા છતાં ક્યા કારણોસર હાજર થતા નથી ત્યાંથી છૂટા કરેલા નથી કે છૂટા થવા માગતા નથી તેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.