સ્વતંત્રતા પર્વની ઉજવણી બાદ શંખેશ્વર ખાતે નીકળી ભવ્ય તિરંગા યાત્રા
જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડા પણ તિરંગો હાથમાં લઇ શંખેશ્વર તિરંગા યાત્રામાં જોડાયા
આજે સ્વતંત્રતા પર્વની ઉજવણી થયા બાદ શંખેશ્વરના માર્ગો પર ભવ્ય તિરંગાયાત્રા નીકળી હતી. દેશમાં આઝાદનું અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. જે અંતર્ગત હર ઘર તિરંગા દેખાઈ રહ્યા છે. આજે જ્યારે જિલ્લા કક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણી પાટણના શંખેશ્વર ખાતે થઈ હતી. જેમાં રાજકક્ષાના શિક્ષણમંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાએ સમારંભમાં ધ્વજ વંદન કર્યું હતું.
ધ્વજવંદન સમારોહ પૂર્ણ થયા બાદ જિલ્લા પોલીસની આગેવાનીમાં શંખેશ્વરના માર્ગો પર તિરંગા યાત્રા નીકળી હતી. જિલ્લા કલેકટરશ્રી સુપ્રીતસિંઘ ગુલાટી અને જિલ્લા પોલીસ વડાશ્રી વિજય પટેલ પણ તિરંગા સાથે યાત્રામાં જોડાયા હતા. પોલીસ જવાનો અને હોમગાર્ડના જવાનો એકત્ર થઈ શંખેશ્વરના માર્ગો પર તિરંગા યાત્રા નીકાળી હતી. જે તિરંગા યાત્રામાં હાથમાં તિરંગો લઈ પોલીસ જવાનોએ જય હિંદ અને ભારત માતા કી જય ના નારા સાથે શંખેશ્વર તિરંગા યાત્રા દરમ્યાન ગુંજી ઉઠ્યું હતું. આ તિરંગા યાત્રામાં એન.સી.સી. અને હોમગાર્ડના જવાનો પણ જોડાયા હતા. બેન્ડવાજામાં રાષ્ટ્ર્રભક્તિની ધૂન થી વાતાવરણ સંપૂર્ણ દેશભક્તિના રંગ રંગાયેલું જોવા મળ્યું હતું. આ રેલીને નિહાળવવા સ્વયંભૂ રીતે લોકો આવ્યા હતા. સ્થાનિક લોકો પણ આઝાદીના અમૃત મહોત્સવ દરમ્યાન યોજાયેલી તિરંગા યાત્રા નિહાળી ખુશખુશાલ જોવા મળ્યા હતા.