પાવીજેતપુરમાં આંબાલગ ગામના એક કૂવામાં દીપડો ખાબક્યો : વન વિભાગ ઘટનાસ્થળે પહોચી, દીપડાને રેસક્યું કરી પિંજરામાં પૂરીને બહાર કાઢ્યો
છોટાઉદેપુર જીલ્લાના પાવીજેતપુર તાલુકાના આંબા ગામના એક કૂવામાં રાત્રીના સમયે દીપડો ખાબકતા ગ્રામજનોમાં ભય જોવા મળી રહ્યો છે.વન વિભાગ દ્વારા દીપડાને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ છોટાઉદેપુર જીલ્લામાં દીપડાની નોંધપાત્ર સંખ્યા જોવા મળી રહી છે. ઉનાળાના સમયમાં પાણી અને ખોરાકની શોધમાં દીપડા માનવ વસ્તી તરફ આવી જવાની ઘટના સામાન્ય બની ગઈ છે. પરંતુ ચોમાસમાં દીપડો બહાર આવી જવાની ઘટના સામે આવી છે. પાવીજેતપુર તાલુકાના આંબાલગ ગામના મોટા ફળિયામાં ભિમસિંગભાઈ દામનભાઈ રાઠવાના ખેતરમાં કૂવો આવેલો છે. ગત રાત્રીના સમયે દીપડો શિકારની શોધમાં ફરતા ફરતા ભીમસિંગભાઈના ખેતરના કૂવામાં ખાબક્યો હતો, આ વાતની જાણ ખેતર માલિક ભિમસિંગભાઈને સવારમાં થઈ હતી. તેઓએ ગામના સરપંચને તથા વન વિભાગને જાણ કરી હતી. કૂવામાં પડેલા દીપડાની જાણ પંથકમાં થતા મોટી સંખ્યામાં લોકો દીપડાને જોવા લોકો ઉમટી પડ્યા હતા. વન વિભાગની ટીમ દીપડાને કૂવામાંથી કાઢવા માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પીંજરું દરવાજો ખુલ્લો રાખીને કૂવામાં ઉતારવામાં આવ્યું હતુ, પીંજરું કૂવામાં ઉતારતા દીપડો પિંજરામાં આવી ગયો હતો અને પીંજરું બંધ કરીને દીપડાને પીંજરા સાથે બે કલાકની ભારે જહેમત બાદ કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.
દીપડો ગામમાં આવી જવાથી અને કૂવામાં ખાબકતા ગ્રામજનોમાં ભય જોવા મળ્યો હતો.પરંતુ દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો દમ લીધો હતો.