ડીસા શહેરના રાજપુર વ્હોળા વિસ્તારમાં આવેલા લોધા સમાજના સ્મશાનમાં મોડી રાત્રે એક યુવકની હત્યા થઈ હતી. બે નસેડી યુવકો અંદર ઝઘડતા આ હત્યા થઈ હોવાનું પ્રાથમિક અનુમાન છે. ડીસા શહેર દક્ષિણ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ડીસા શહેરના રાજપુર વ્હોળા વિસ્તારમા છેલ્લા કેટલાય સમયથી રહેતો અને એકલવાયું જીવન જીવતો સુરેશકુમાર બાબુભાઇ લોધા અવારનવાર મોડી રાત્રે નશાની હાલતમાં લોધા સમાજના સ્મશાનમાં પડ્યો રહેતો હતો. જેમાં ગઈકાલે પણ મોડી રાત્રે સુરેશ સ્મશાનમાં હતો ત્યારે આ જ વિસ્તારમાં રહેતો સતિષ ભોગીલાલ લોધા પણ ત્યાં પહોંચ્યો હતો. બંને જણ વચ્ચે કોઈ બાબતે ઝઘડો થતાં સતિષે કોઈ બોથડ પદાર્થ મારી સુરેશની હત્યા કરી હતી.

આ બનાવની જાણ થતા મોડી રાત્રે લોકોના ટોળેટોળા લોધા સમાજના સ્મશાનમાં ઉમટી પડ્યા હતા. જ્યારે ડીસા શહેર દક્ષિણ પીઆઇ.કે.બી.દેસાઇ સહિત પોલીસ સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી લાશનું પંચનામું કરી પી.એમ. અર્થે મોકલી આપી હતી. જ્યારે હત્યા કરનાર સતિષ લોધાની ધરપકડ કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.