ધાનેરા તાલુકાના હડતા ગામથી કુવારલા ગામ તરફ જતા કાચા માર્ગ નજીક ગુરુવારે પ્રેમી પંખીડાએ ઝાડની ડાળીએ દોરીથી ગળે ફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાને લઇ પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ બનાવને લઈ લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટ્યા હતા. ધાનેરા તાલુકાના હડતા ગામની સીમમાં ગુરુવારે સવારે યુવક-યુવતીએ ઝાડની ડાળીએ દોરડા વડે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. આ ઘટનાની જાણ ધાનેરા પોલીસને થતાં ધાનેરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

જેમાં સૌ પ્રથમ યુવક-યુવતીને ઝાડની ડાળ પરથી નીચે ઉતારી તેમની ઓળખ કરી હતી. જેમાં યુવક ધાનેરા તાલુકાના કુવારલા ગામનો 20 વર્ષિય અજમલભાઈ બાબુભાઈ ચૌહાણ (ઠાકોર) હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે યુવતી 19 વર્ષની ડિમ્પલબેન અનાભાઈ વાઘેલા (કોળી) જેઓ મૂળ રહેવાસી રાજસ્થાનનાં રાણીવાડા તાલુકાના લાછીવાડા ગામના હોવાનું જાણવા મળ્યું છે.

 છેલ્લા ત્રણ વર્ષથી ધાનેરા તાલુકાના જીવાણા ગામમાં ભાગીયા તરીકે પરિવાર સાથે ખેત મજૂરી કરતા હતા. ધાનેરા પોલીસે યુવક-યુવતીના મૃતદેહને ધાનેરા સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ માટે લઈ આવી વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ યુવતીના પરિવારજનો અને સગા સબંધી ધાનેરા સરકારી દવાખાને આવી પહોંચ્યા હતા.

 જાણવા મળતી માહિતી મુજબ બે બહેનો બુધવારે રાત્રે ઘરેથી નીકળી ભાગી હતી. જેમાં એક બહેનનો મૃતદેહ હડતા ગામની સીમમાંથી મળી આવ્યો છે. જ્યારે અન્ય બીજી બહેનનો હજુ સુધી કોઇ પત્તો લાગ્યો નથી. ધાનેરા તાલુકાના હડતા ગામની સીમમાં યુવક-યુવતીએ ઝાડની ડાળીએ દોરીથી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.