બનાસકાંઠાના પાલનપુરના ટોકરિયા ગામમાંથી 11 વર્ષીય બાળકનું અપહરણ થયા બાદ ખેતરમાં હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી હતી. બનાસકાંઠા પોલીસે ગણતરીના કલાકોમાં આ ગુનાનો ભેદ ઉકેલી એક શખ્સને ઝડપી પાડ્યો છે. ગામમાંથી માસૂમ બાળકનું કારમાં અપહરણ કર્યા બાદ નરાધમે બાળક સાથે અડપલાં કર્યાં હતા. જેનો વિરોધ કરતા બાળકના ગળા પર તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા નિપજાવી લાશને ફેંકી દેવામાં આવી હતી. પોલીસે નરાધમને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.

પાલનપુરના ટોકરિયા ગામમાં રહેતો 11 વર્ષીય બાળક 14 તારીખે ગુમ થયાની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અને પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. બાળકની શોધખોળ ચાલી રહી હતી ત્યારે જ રાત્રિના સમયે ગામની વાડીમાંથી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. માસૂમ બાળકની હત્યા કોણે અને શા માટે નિપજાવી તેને લઈ પોલીસે અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી હતી. હત્યાનો ભેદ ઉકેલવા માટે ડોગ સ્ક્વોડ અને FSLની પણ મદદ લેવામાં આવી હતી.

7,000 ની વસતી ધરાવતા ટોકરિયા ગામમાં માસૂમ બાળકની હત્યાનો ભેદ ઉકેલવા માટે પોલીસે 11 ટીમો બનાવી અલગ-અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી. સાયબર ટીમની મદદ લેવામાં આવી હતી. સાથે સીસીટીવી ફૂટેજ અને ગામમાં રહેતા શંકાસ્પદ અને ગાયબ થયેલા લોકોની વિગતો એકત્ર કરી ગુનાનો ભેદ ઉકેલવા એક બાદ એક કડી જોડવામાં આવી હતી.

શંકાના આધારે પોલીસે ફારુક જમાલ દાઉમા નામના શખ્સને પોલીસ સ્ટેશન બોલાવી પૂછપરછ કરતા પોતે જ હત્યા કર્યાની કબૂલાત કરી હતી. બનાવના દિવસે ફારુકે પોતાની કારમાં બાળકને બેસાડ્યો હતો અને અલગ અલગ જગ્યાએ ફેરવી પાછળની સીટ પર બાળક સાથે અડપલાં કર્યાં હતાં. બાળકે તેનો વિરોધ કરતા ફારુકે તેને માર માર્યો હતો. બાળકે પોતાની આપવીતી પોતાની માતાને જણાવી દેવાની વાત કરતા ફારુકે ગળા પર તીક્ષ્ણ હથિયારનો ઘા મારી હત્યા નિપજાવી હતી અને બાદમાં વાડી વિસ્તારમાં લાશને ફેંકી દીધી હતી.

આ અંગે બનાસકાંઠા એસ.પી. અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું  હતું કે, માસૂમ બાળકની હત્યાનો ભેદ ઉકેલવા માટે અલગ અલગ 11 ટીમો બનાવવામાં આવી હતી. ગુનાનો ભેદ ઉકેલવા એક બાદ એક કડીઓ મેળવી હતી. બાળકની હત્યા મામલે ફારુક જમાલ દાઉમા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સ નાનાં બાળકો સાથે અડપલાં કરવાની માનસિકતા ધરાવે છે. બનાવના દિવસે બાળકને પોતાની કારમાં બેસાડી આરોપી અલગ અલગ જગ્યાએ લઈ ગયો હતો અને અડપલાં કર્યાં હતાં. જેનો બાળકે વિરોધ કરતા આરોપીએ હત્યા નિપજાવી લાશને ફેંકી દીધી હતી. આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.