ઉત્તર ગુજરાતની અગ્રગણ્ય સહકારી સંસ્થા ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ડીસા દ્વારા ભીલડીમાં પેટા બજાર માટે ખરીદેલી જમીન અંગે વિવાદ સર્જાતા આ જમીનની નોંધ હજુ સુધી પડી નથી. પૈસા ચૂકવ્યાને દસ વર્ષ થયા હોવા છતાં બજાર સમિતિને હજુ સુધી જમીન મળી નથી. આ સમગ્ર પ્રકરણમાં ચેરમેન ગોવાભાઈ રબારીને માર્કેટયાર્ડને નુકસાન કરાવવા બદલ રૂપિયા 4.11 કરોડ અંગત રીતે ભરવા ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્રના નિયામકે કરેલા આદેશની મેટર પણ સુપ્રીમ કોર્ટમાં હાલમાં પેન્ડિંગ છે.

ધી ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વાર 2009 માં સામાન્ય સભામાં ઠરાવ કરી ભીલડીમાં ડીસા માર્કેટયાર્ડ સંચાલિત પેટા બજારનું વિસ્તરણ કરવા જમીન ખરીદવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. જેમાં ભીલડી પેટા બજારને અડીને અંદાજે પાંચ થી છ વીઘા જમીન ખરીદવા ટેન્ડર નોટિસ બહાર પડાયું હતું. જે બાદ જમીનની ખરીદી કરી તે જમીન પેટા માર્કેટથી દૂર અને રેલવેમાં કપાતમાં હોવા છતાં તેનું ચુકવણું કર્યું હતું.

સાથે જમીન ખરીદીમાં દર્શાવેલ નિયમો વિરુદ્ધ ખરીદી થતાં અને જમીનની કિંમત કરતા વધુ રકમની ચુકવણી કરી દેવાતા જિલ્લા રજીસ્ટર સહિત ગાંધીનગર ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર નિયામક સમક્ષ રજુઆત થતાં તત્કાલીન ચેરમેન ગોવભાઈ રબારીએ રાજીનામું આપી દીધું હતું.