દેશના સૌથી સફળ રોકાણકારોમાંના એક અને દિગ્ગજ ઉદ્યોગપતિ રાકેશ ઝુનઝુનવાલાનું આજે સવારે નિધન થયું છે. તેમણે મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. આ પહેલા તેમની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોકટરો તેમને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ તેમનો જીવ બચાવી શકાયો ન હતો. કહેવામાં આવી રહ્યું છે કે મલ્ટી ઓર્ગન ફેલ્યોર થવાના કારણે તેમનું મોત થયું છે. તેમની તબિયત બગડ્યા બાદ જ તેમને ગઈકાલે સાંજે મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પિતાએ રૂપિયા આપવાની ના પાડી હતી
રાકેશ ઝુનઝુનવાલાનો જન્મ વર્ષ 1960માં મુંબઈમાં થયો હતો. તેમના પિતા ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતા હતા. આ સાથે તેમના પિતા પણ શેરબજારમાં રૂપિયા રોકતા હતા. રાકેશ ઝુનઝુનવાલાએ 1985માં ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયામાંથી સીએનો કોર્સ કર્યો હતો. પિતાની જેમ તેમને પણ શેરબજારમાં રૂપિયા રોકવાનો શોખ હતો.
જ્યારે તેમણે બજારમાં રોકાણ કરવા માટે રૂપિયા માંગ્યા ત્યારે તેમના પિતાએ ના પાડી હતી. તેના પછી વર્ષ 1985માં શેરબજારમાં પહેલું પગલું ભર્યું હતું. રાકેશ ઝુનઝુનવાલાએ માત્ર 5 હજાર રૂપિયાથી શેરબજારમાં રોકાણ કરવાનું શરૂ કર્યું હતું. ટાટાના શેરમાં નાણાં રોકીને તેઓ માર્કેટ કિંગ બન્યા. પાછળથી તેઓ બજારનો 'બિગ બુલ' તરીકે ઓળખાવા લાગ્યા. તેમને બજારનો જાદુગર માનવામાં આવતા હતા.
ટાટાના શેરે મોટુ કર્યું
રાકેશ ઝુનઝુનવાલાએ શેરબજારમાં પ્રવેશ્યા પછી વર્ષ 1986માં પ્રથમ નફો મેળવ્યો હતો. તેમની પ્રથમ કમાણી ટાટાના શેરમાંથી આવી હતી. માત્ર 43 રૂપિયામાં ટાટા ટીનો એક શેર ખરીદીને તેમણે તેને 143 રૂપિયામાં વેચી દીધો. તેના પછી તેઓ ધીમે ધીમે બજારના મોટા કિંગ તરીકે ઉભરી આવે છે. 1986 થી 89 સુધી તેમણે શેરબજારમાંથી જબરદસ્ત કમાણી કરી. તેના પછી વર્ષ 2003માં ફરી એકવાર ટાટા કંપનીમાં વિશ્વાસ વ્યક્ત કરતા તેમણે ટાઈટન કંપનીમાં રૂપિયા રોક્યા, ત્યાર બાદ તેમનું નસીબ બદલાઈ ગયું. તે સમયે રાકેશ ઝુનઝુનવાલાએ ટાઈટન કંપનીના શેર માત્ર 3 રૂપિયામાં ખરીદ્યા હતા, જેની કિંમત પ્રતિ શેર 2,472 રૂપિયા છે.
ભારતના સૌથી અમીર 50 લોકોની લિસ્ટમાં સામેલ
ફોર્બ્સ દર વર્ષે વિશ્વના સૌથી અમીર લોકોની યાદી જાહેર કરે છે, જેમાં રાકેશ ઝુનઝુનવાલાનું નામ પણ સામેલ છે. તેઓ ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિઓની યાદીમાં સામેલ છે. તેઓ ભારતના 36મા સૌથી અમીર વ્યક્તિ હતા. તેમની કુલ સંપત્તિ 40 હજાર કરોડ રૂપિયા છે. તેમને ભારતના વોરેન બફેટ કહેવામાં આવે છે. આજના સમયમાં તેમની પ્રોફાઇલમાં ટીવી18, ડીબી રિયલ્ટી, ઇન્ડિયન હોટેલ્સ, ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ, એસ્કોર્ટ્સ લિમિટેડ, ટાઇટન વગેરે જેવી ઘણી કંપનીઓનો સમાવેશ થાય છે.