લાખણી તાલુકાના વજેગઢથી ભાભરમાં નર્સિંગ કોલેજમાં બુધવારે બહેનનું ફોર્મ ભરવા આવતાં ત્રણ ભાઈ બહેનને ભાભરના ખારા ગામ પાસે ઇકો ચાલકે સામેથી ટક્કર મારતાં ભાઇ અને એક બહેનનું મોત થયું હતુ. જ્યારે બીજી બહેનને ઇજા થઇ હતી. જેને સારવાર માટે ખસેડવામાં આવી હતી. ગમખ્વાર અકસ્માતમાં પરિવારનો માળો વિખેરાઇ જતાં રબારી સમાજમાં શોક છવાયો હતો.પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લાખણી તાલુકાના વજેગઢના કેવળભાઇ રબારીની પુત્રી અલકાબેનને નર્સિંગનું ફોર્મ ભરવાનું હોઇ બુધવારે તેણી ભાઇ મુકેશ અને બહેન નયના સાથે બાઇક નં. જીજે-08-ડીએફ-4092 ઉપર ભાભર આવ્યા હતા. જ્યાંથી ફોર્મ ભરી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ભાભર-મીઠા હાઇવે ઉપર ખારા ગામના પાટિયા પાસે દિયોદર તરફથી પૂરપાટ ઝડપે આવતી ઈકો નંબર જીજે-08-ડીડી-0579ના ચાલકે બાઇકને ધડાકાભેર ટક્કર મારી હતી. જેમાં બાઈકને 5 કિલોમીટરથી વધુ ઢસેડવામાં આવ્યું હતું. બાઈક સવાર અલકાબેન રબારી ઇકોનાં બોનેટ આગળ ફસાઇ જતાં 1 કિલોમીટર સુધી ઢસડી બોરિયા પાસે ફંગોળતાં તેમનું ઘટના સ્થળે મોત થયું હતું.

 જ્યારે ભાઇ-બહેનને ગંભીર ઈજા થતાં 108 વાન દ્વારા ભાભર સામૂહિક આરોગ્ય કેન્દ્ર લાવવામાં આવ્યા હતા. જ્યાં સારવાર બાદ બાઈક ચાલક મુકેશભાઇ કેવળભાઈ રબારી (ઉં.વ.20) (રહે.વજેગઢ) નું પણ મોત થયું હતું. જ્યારે બીજી બહેન નયનાને ઇજા થતાં સારવાર અર્થે ખસેડાઇ હતી. બે સગા ભાઈ-બહેનના મોત થતાં રબારી સમાજમાં અરેરાટી પ્રસરી ગઇ હતી.ઈકો ચાલકને લોકોએ પકડી પોલીસના હવાલે કર્યો હતો.

નોંધનીય છે કે, કેવળભાઈ હાજાભાઈ રબારી મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જેઓને ચાર દીકરી અને એક દીકરો મુકેશ હતો. ચાર બહેનોનો એકના એક ભાઈનું અકસ્માતમાં મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.