દાંતીવાડા તાલુકાના ઝાત ગામના ગૃહસ્થે પાંથાવાડામાં ખરીદેલી મિલ્કત આઠ વર્ષ અગાઉ તેમના કૌટુંબિક ભાઇને સાચવવા માટે આપી હતી. દરમિયાન કોરોનામાં તેમનું નિધન થયું હતુ. જે પછી મૃતકના પુત્રએ ખોટા દસ્તાવેજ બનાવી ખોટી સહિ કરી ભાગીદાર લેખ બનાવી દીધો હતો. આ અંગે કોર્ટના હુકમ પછી ગૃહસ્થે બંને શખ્સો સામે પાંથાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
પાલનપુર અંબિકાનગરમાં રહેતા મુળ દાંતીવાડા તાલુકાના ઝાત ગામના અમરતભાઇ પુનમાજી કાલેટ (ઉ.વ.60)એ 1997 માં પાંથાવાડાના કિર્તિભાઇ ભેરાજી માળી અને પરષોત્તમભાઇ મણીલાલ પંચાલ પાસેથી દુકાન ખરીદી હતી. જેની ઉપર મકાન બનાવ્યા હતા. આ મિલ્કત આઠ વર્ષ અગાઉ અમરતભાઇએ તેમના કૌટુંબિક ભાઇ અરવિંદભાઇ લાખારામ કાલેટને સાચવવા માટે આપી હતી. જોકે, અરવિંદભાઇનું કોરોનામાં મૃત્યુ થયું હતુ. જે પછી અમરતભાઇ મૃતકના પુત્ર જીગર પાસે ચાવી લેવા ગયા હતા. ત્યારે તેણે મિલકત અમારી છે. તેમ કહી આપવાની ના પાડી હતી.
મિલકતના અસલી દસ્તાવેજો બતાવી તપાસ કરતાં જીગરે ડીસાની કોર્ટ આ મિલ્કત લેવા માટે અમરતભાઇના વિરૂધ્ધમાં દાવો રજૂ કરાયો હોવાનું સામે આવ્યું હતુ. આ દાવામાં રૂપિયા 300ના સ્ટેમ્પ પેપર ઉપર ભાગીદાર લેખ કરાર કરાયેલો હતો. જેમાં લખી આપનાર તરીકે અમરતભાઇની ખોટી સહી કરેલી હતી. લખી લેનારમાં મૃતક અરવિંદભાઇની સહી હતી.
જ્યારે સાક્ષીમાં મુળ રાજસ્થાનના જાલોર જીલ્લાના જશવંતપુરા હાલ પાંથાવાડાનો કિરણકુમાર જગદીશકુમાર સોલંકી અને જીગર અરવિંદભાઇ કાલેટની સહીઓ હતી. જેની નોટરી નીપાબેન જોષીએ કરી હતી. દરમિયાન અમરતભાઇએ મિલકત પરત મેળવવા માટે અમદાવાદ હાઇકોર્ટેમાં અપીલ કરી હતી. જેમાં ન્યાયાધીશે ખોટા દસ્તાવેજો બનાવનારા શખ્સો સામે ગુનો દાખલ કરવાનો હુકમ કરતાં પાંથાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે કિરણકુમાર જગદીશભાઇ સોલંકી અને જીગરકુમાર અરવિંદભાઇ કાલેટ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.