અષાઢ મહિનાથી ભારતીય તહેવારોની ઉજવણીની શરૂઆત થતી હોય છે. ત્યારે દર વર્ષે તહેવારો ટાંણે જ ખાદ્ય તેલોમાં વધારો ઝીંકવામા આવે છે. જુન મહિના પહેલા તેલના ભાવમાં ઘટાડો કરાય છે અને દિવાળી સુધીમા તેલના ભાવોમાં વધારો ઝીંકાય છે, સરવાળે બધુ સરભર થઈ જાય છે. આખા વર્ષમાં તેલના ભાવમાં કરાતા ઘટાડાની સામે તેલના ભાવમાં ઝીંકાતો વધારો વધુ હોય છે. ત્યારે ફરી એકવાર સીંગતેલ મોંઘુ બન્યું છે. 

છેલ્લા એક સપ્તાહમાં સીંગતેલના ભાવમાં ડબ્બે 70 રૂપિયાનો વધારો થયો છે. રાજકોટમાં ખૂલતા બજારે આજે 15 કિલો ડબ્બો 2580 થી વધીને 2650 રૂપિયા થયો છે. સીંગતેલમાં સતત તેજીનો માહોલ જોવા મળ્યો છે. અષાઢી બીજ અને સાતમ આઠમના તહેવારમાં ખાદ્યતેલ મોંઘુ થયું છે. ઓફ સીઝન હોવા છતા ખાદ્યતેલના ભાવમાં વધારો નોંધાયો છે. ત્યારે હવે છેક દિવાળી સુધી સિંગતેલ મોંઘુ થતું જશે. 

જનતા પર સતત મોંઘવારીનો માર પડી રહ્યો છે. વર્ષની શરૂઆતથી જ ખાદ્ય ખાદ્યતેલમાં ભાવ વધારા કરાઈ રહ્યો છે. ત્યારે 2024 ની શરૂઆતથી પાંચમીવાર સિંગતેલના ભાવમાં વધારો થયો છે. તેલના વેપારીઓના જણાવ્યા અનુસાર, હજુ એક અઠવાડિયા સુધી સિંગતેલના ભાવમાં વધ-ઘટ થવાની શક્યતા છે. મગફળીની આવક ઘટતા સિંગતેલના ભાવ વધ્યા છે. મગફળીની જે આવક છે તે સિંગદાણામાં ખપી જતી હોવાથી પીલાણમાં નથી જતી. આ કારણે સિંગતેલ સતત મોંઘુ થતુ જઈ રહ્યું છે.