બનાસકાંઠામાં 9 ગ્રામસેવકો હાઈકોર્ટનાં ચુકાદાના આધારે સરકારી નોકરીમાંથી કાયમી છુટા કરાયા છે.કૃષિ ક્ષેત્રમાં ડિપ્લોમા અથવા BRS લાયકાત છતાં બી.એસ.સી એગ્રીકલ્ચરના આ ઉમેદવારોને નોકરીઓ આપી દેવાતા સમગ્ર મામલો હાઇકોર્ટમાં હતો જ્યાંથી હુકમ થયા બાદ જિલ્લા પંચાયતે કોર્ટના ચુકાદાના પગલે 9 ને છુટા કરી દીધા બાદ હવે સમગ્ર ભરતી પ્રક્રિયા પર સવાલો ઊભા થયા છે. વર્ષ 2016/17 માં પંચાયત વિભાગમાં ગ્રામ સેવકની ભરતીમાં પસંદ થયા હતા.107 ઉમેદવારો પૈકી 9 ની ભરતી નિયમો વિરુદ્ધ થઈ હોવાનું બહાર આવ્યું છે.

બનાસકાંઠા જીલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગમાં ફરજ બજાવતા 9 ગ્રામ સેવકોને કોર્ટના આદેશ બાદ છુટા કરવામાં આવ્યા હતા. જેમાં 2016-17 માં સરકાર દ્વારા જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. સરકાર દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા લઈ 107 ઉમેદવારોને ગ્રામ સેવક ખેતીવાડી તરીકે નિમણૂક આપવામાં આવી હતી. પરંતુ 107 ઉમેદવારોમાંથી નવ ઉમેદવારો બીએસસી એગ્રીકલ્ચરની ડિગ્રી ધરાવતા હોવાથી કોર્ટ મેટર થઈ હતી. કોર્ટમાં ચુકાદો આવતા તમામ નવ ઉમેદવારોને છુટા કરવામાં આવ્યા હતા.

આ અંગે જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવેએ જણાવ્યું હતું કે "જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ દ્વારા 2016-17માં નિયમ અનુસારની જાહેરાત બહાર પાડી સ્પર્ધાત્મક પરીક્ષા લઈ 107 ઉમેદવારોને ગ્રામ સેવક ખેતીવાડી તરીકે નિમણૂક આપવામાં આવી હતી. જે પૈકીના નવ ઉમેદવારો બીએસસી એગ્રીકલ્ચરની ડિગ્રી ધરાવતા હોવાના વિવાદ સાથે કોર્ટ મેટર થયેલી અને તેનો ચૂકાદો આવતા ગુજરાત હાઈકોર્ટનાં ચુકાદાને ગ્રાહ રાખીને નિયમ અનુસાર 9 કર્મચારીને છુટા કરવામાં આવ્યા હતા.

અમારા સંતાનો સરકારી ભરતીની તમામ પ્રક્રિયાઓમાંથી પસાર થયા છે. બાળકોના ડોક્યુમેન્ટનું વેરીફિકેશન કરવામાં આવ્યું હતું. અને પછી જ નિયમ અનુસાર ભરતી કરવામાં આવી હતી. અમારા બાળકોને અધવચ્ચે છૂટા કરતા તેમની સાથે અન્યાય થયો છે. હવે અમારા બાળકોનાં ભવિષ્યનું શું? આ ભરતી ગુજરાતના 17 જિલ્લાઓમાં થઈ હતી. તો બનાસકાંઠાના જ ઉમેદવારોને કેમ છુટા કરવામાં આવ્યા? અરવલ્લી જિલ્લામાં પણ કોર્ટ મેટર ચાલુ છે તો ત્યાં કેમ છુટા કરવામાં આવ્યા નહીં? ત્યાંનાં ઉમેદવારો અત્યારે પણ નોકરી પર ફરજ બજાવી રહ્યા છે. સરકારને સાત વર્ષે ભાન થયું છે. તેમાં જવાબદાર અધિકારીઓ સામે પગલા ભરવામાં આવે.

બરતરફ કરાયેલા 9 ગ્રામ સેવકોના નામ

1.કિશનકુમાર બાબુભાઇ (અ.સુ), વિસ્તરણ અધિકારી (સહકાર) પાલનપુર તાલુકા પંચાયત,

2. હસમુખભાઈ ભીખાભાઈ ચૌધરી, આંકડા મદદનીશ, આઈસીડીએસ, પાલનપુર તા. પં.

3. વિનોદકુમાર નાનજીભાઇ ચૌધરી, વિસ્તરણ અધિકારી (ખેતી)ખેતીવાડી શાખા,

4. નરેશકુમાર રઘનાથભાઈ ચૌધરી, વિસ્તરણ અધિકારી

         (સહકાર)સુઈગામ તાલુકા પં.

5.નરેન્દ્રકુમાર હરીભાઇ ચૌધરી આંકડા મદદનીશ,આંકડા શાખા, જિ.પં.બ.કાં.

6. હિતેશકુમાર કલ્યાણભાઈ ચૌધરી, ગ્રામસેવક,સેજો ચેખલા તા.કાંકરેજ

7.દિપાભાઈ વેલાજી ચૌધરી, ગ્રામસેવક,સેજો : થાવર, તા.ધાનેરા

8. ચેલાભાઈ વાઘાભાઈ ચૌધરી, ગ્રામસેવક સેજો:ડુંગરાસણ, તા.કાંકરેજ

9. સોનલબહેન ભીખાભાઈ ચૌધરી, ગ્રામરોવક,સેજો:હાથીદ્રા, તા.પાલનપુર

આ અંગે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પંચાયત વિભાગ દ્વારા કૃષિ ક્ષેત્રમાં ડિપ્લોમા અથવા BRS લાયકાત નક્કી કરવામાં આવી હતી. પરંતુ રાજ્યના અનેક જિલ્લાઓમાં પંચાયત વિભાગના જ 2014ના નિયમો નેવે મૂકીને બી.એસ.સી એગ્રીકલ્ચરના ઉમેદવારોને નોકરીઓ આપી દેવામાં આવી હતી તે બાબતે સતત ફરિયાદો કરવામાં આવી રહી હતી.જે પૈકી સુરત,વલસાડ,ગીર- સોમનાથ અરવલ્લી,બનાસકાંઠા અને પાટણ જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ દ્વારા નિયમો વિરુદ્ધ નિમણૂકો આપવામાં આવી હતી. જેથી લાયક ઉમેદવારોએ 2020મા ઉચ્ચ સ્તરે ફરિયાદ કરી હતી.આમ છતાં પંચાયત વિભાગે બી.એસ.સી એગ્રીકલ્ચર ઉચ્ચ ડિગ્રી હોઈ માટે નિમણૂકો આપી છે. તેવો જવાબ આપીને લુલો બચાવ કર્યો હતો. પંચાયત વિભાગે 2022નાં વર્ષમાં ગ્રામસેવકની ભરતી જાહેર થવાના સમયે રાતોરાત ઉચ્ચ ડિગ્રીઓને સમાવેશ કરેલ તેનું મુખ્ય કારણ તેઓને રોજગારીની તક આપવાનું નહીં પરંતુ 2016/17 માં નિયમો વિરૂદ્ધ થયેલ ભરતીની ગેરરીતિ દબાવવાના પ્રયાસ હતો.