થરાદ તાલુકાના કોઠીગામ ગામે ભત્રીજાએ કાકાની હત્યા કરી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. ગામમાં ચોરે બેઠેલા કાકાને ભત્રીજાએ સગાઇ બાબતે ગાડીની ટક્કર મારી બાદમાં તિક્ષ્ણ હથિયારના ઘા કરતાં મોત નીપજ્યું હતું. લાશને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જીલ્લાના સરહદી પંથકમાં ગુનાહિત પ્રવૃત્તિઓ અવરનવર બનતી હોય છે. ત્યારે આજ રોજ થરાદ તાલુકાના કોઠીગામ ગામે સગા ભત્રીજાએ કાકાની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ થરાદ તાલુકાના કોઢીગામ ગામે ગામના ચોરે બેઠેલા હાજીખાન લાલખાન મલેકના ભત્રીજા દિલીપખાન મલેકે સગાઇ કરાવવા જેવી બાબતે ગાડીની ટક્કર મારી હતી. જેના બાદ તિક્ષણ હથિયાર વડે ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા.

આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં લવાયો હતો. થરાદ પોલીસને જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ગુનો નોંધી હત્યારાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.