સમગ્ર રાજ્યમાં કાતીલ ઠંડી  યથાવત છે તેવામાં હવામાન વિભાગ દ્વારા 28 જાન્યુઆરી એ  કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે. જેને લીધે ડીસા સહિત બનાસકાંઠા જિલ્લાનું તંત્ર એલર્ટ થઈ ગયુ છે. વરસાદને કારણે અનાજને નુકસાન ન થાય તે માટે ડિઝાસ્ટર વિભાગ દ્વારા ડીસા માર્કેટ યાર્ડને જાણ કરવામાં આવી છે. ડીસા માર્કેટયાર્ડમાં ખેડૂતોની અનાજ ભરેલી બોરીઓ ખુલ્લામાં રાખવામાં આવતી હોય છે. કમોસમી વરસાદને લીધે ખેડૂતોની અનાજની બોરીઓ પલળી ન જાય અને તેઓને નુકસાન ન થાય તે માટે તકેદારીના પગલાં લેવા જાણ કરાઇ છે. આ સિવાય તંત્ર દ્વારા પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને ચીફ ઓફિસરને પણ વરસાદની આગાહીને લઈ એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે.