ડ્રોન ટેકનોલોજીનો મહત્તમ લાભ ખેડૂત-છેવાડાના માનવીને મળે તે
રાજ્ય સરકારની પ્રાથમિકતા: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
.............
:: મુખ્યમંત્રીશ્રી ::
• રાજ્ય સરકારની પ્રજા કલ્યાણલક્ષી યોજનાઓ લાભાર્થીના ઘર સુધી પહોંચાડવા ડ્રોન ટેકનોલોજી આશીર્વાદ રૂપ
• સામાન્ય માનવી ડ્રોનનો ઉપયોગ કરી શકે તેવા હેતુથી વડાપ્રધાનશ્રી દ્વારા ડ્રોનના નિયમોમાં સુધારા કરાયા
• દેશમાં ડ્રોન ટેકનોલોજીમાં ઇન્સ્ટ્રક્ટર, પાઇલટ અને ઉત્પાદન ક્ષેત્રે ગુજરાત અગ્રેસર રાજ્ય
• ડ્રોન ટેકનોલોજીના વિકાસ માટે આર્થિક સહાયની પણ સુવિધા
• ભારતમાં ડીજીસીએ માન્ય ડ્રોન તાલીમ માટેની રાજ્ય કક્ષાની પ્રથમ યુનિવર્સિટી
• સ્ટાર્ટઅપ ક્ષેત્રે છેલ્લા ત્રણ વર્ષથી દેશભરમાં ગુજરાત અગ્રેસર
• હર ઘર તિરંગા અભિયાનમાં ગુજરાતના એક કરોડ ઘરો સુધી તિરંગા પહોંચાડાયા
• DGCA માન્ય ડ્રોન તાલીમ પૂર્ણ કરનાર વિદ્યાર્થિઓને મુખ્યમંત્રીશ્રીના હસ્તે ડ્રોન પાઇલટ લાયસન્સ એનાયત
.........
ડ્રોન ટેકનોલોજીથી આરોગ્ય, જળ સંપતિ, કૃષિ અને સંરક્ષણ ક્ષેત્રે
વિકાસનું નવું સોપાન રચાશે: આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ
.........
ડ્રોન ક્ષેત્રે રહેલી વિપુલ તકોને ઝડપવા રાજ્ય સરકારનું સુદ્રઢ આયોજન:
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્ય મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા
.........
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગાંધીનગર ખાતે
કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સિટી અંતર્ગત 'સ્કૂલ ઓફ ડ્રોન'નો શુભારંભ
.........
IFFCO દ્વારા સ્કૂલ ઓફ ડ્રોનને તાલીમ માટે ભેટ રૂપે ચાર ડ્રોન આપવાની જાહેરાત
.........
ડ્રોન ટેકનોલોજીનો મહત્તમ લાભ ખેડૂતો તેમજ છેવાડાના સામાન્ય માનવીને મળી રહે તે રાજ્ય સરકારની પ્રાથમિકતા છે તેમ જીએનએલયુ ગાંધીનગર ખાતે સ્કૂલ ઓફ ડ્રોનનો શુભારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે જીએનએલયુ ગાંધીનગર ખાતે આજે કૌશલ્યા- ધ સ્કિલ યુનિવર્સિટી અંતર્ગત 'સ્કૂલ ઓફ ડ્રોન'નો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ શુભારંભ પ્રસંગે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા સહભાગી થયા હતા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સતત માર્ગદર્શન થકી ગુજરાત, કૃષિ, શિક્ષણ, આરોગ્ય, સુરક્ષા, ઉદ્યોગ સહિત તમામ ક્ષેત્રે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. ગુજરાત સરકારની પ્રજા કલ્યાણલક્ષી વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ છેવાડાના માનવી-લાભાર્થી સુધી પહોંચાડવા ડ્રોન ટેકનોલોજી સાચા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થશે.
તેમણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતમાં ખેડૂતો, સામાન્ય માનવી અને યુવાનો પણ ડ્રોનનો વિવિધ ક્ષેત્રે હકારાત્મક ઉપયોગ કરી શકે તેવા ઉમદા હેતુથી રાષ્ટ્રીય સ્તરે ડ્રોનની નીતિમાં નોંધપાત્ર સુધારા-ફેરફાર કર્યા છે. જેના પરિણામ સ્વરૂપે આજે ગુજરાતમાં સ્કૂલ ઓફ ડ્રોનનો શુભારંભ કરવામાં આવ્યો છે. સમગ્ર દેશમાં ડ્રોન ટેકનોલોજીમાં ઇન્સ્ટ્રક્ટર, પાઇલટ, મેઇન્ટેનન્સ અને ઉત્પાદન ક્ષેત્રે નવીન તકો ઊભી કરીને ગુજરાત અગ્રેસર રાજ્ય બન્યું છે. કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સિટી ભારતમાં ડીજીસીએ માન્ય ડ્રોન તાલીમ માટેની રાજ્ય કક્ષાની પ્રથમ યુનિવર્સિટી છે તેમ તેમણે ઉમેર્યું હતું.
ગુજરાતમાં ડ્રોન ટેકનોલોજીના વિકાસ માટે આર્થિક સહાય પણ ચૂકવવામાં આવે છે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, સ્ટાર્ટઅપ ક્ષેત્રે છેલ્લા ત્રણ વર્ષથી સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ ક્રમે છે. વડાપ્રધાનશ્રીના આત્મનિર્ભર ભારત, મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ થકી આઝાદીના અમૃતકાળમાં ગુજરાત સહિત સમગ્ર દેશ તમામ ક્ષેત્રે પ્રગતિ કરે તેવા આપણે સંયુક્ત પ્રયાસો કરવા પડશે. આઝાદીના 75 વર્ષ નિમિત્તે વડાપ્રધાનશ્રીના હર ઘર તિરંગા અભિયાનને વધુને વધુ સફળ બનાવવા ગુજરાતના એક કરોડ ઘરો સુધી તિરંગો-રાષ્ટ્રધ્વજ પહોંચાડવામાં આવ્યો છે. આ અભિયાનમાં તમામ ગુજરાતીઓને સહભાગી થવા મુખ્યમંત્રીશ્રીએ આહ્વાન કર્યું હતું.
આ પ્રસંગે ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન - DGCA માન્ય ડ્રોન તાલીમ પૂર્ણ કરનાર વિદ્યાર્થિઓને મુખ્યમંત્રીશ્રીના હસ્તે ડ્રોન પાઇલટ લાયસન્સ એનાયત કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રી શ્રી સહિત મહાનુભાવોને ઉપસ્થિતિમાં જી.એન.એલ.યુ. કેમ્પસમાં ડ્રોન બનાવતી વિવિધ કંપનીઓ દ્વારા ડ્રોન નિદર્શન પણ કરવામાં આવ્યું હતું.
આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલે કહ્યું કે, ડ્રોન ટેકનોલોજીથી આરોગ્ય, જળ સંપતિ, કૃષિ અને સંરક્ષણ ક્ષેત્રે વિકાસનું નવું સોપાન રચાશે. આજે ઉભરતી ડ્રોન ટેકનોલોજીના ક્ષેત્રે વિકાસની વિપુલ તકો રહેલી છે. ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ આરોગ્ય, જળ સંપતિ, કૃષિ, સંરક્ષણ જેવા વિવિધ ક્ષેત્રોમાં શરુ થયો છે ત્યારે ડ્રોનના સર્જન, મરામતથી લઈ તેને ચલાવવા સુધીની તમામ તાલીમ આ નવીન સ્કૂલ ઓફ ડ્રોન દ્વારા અપાશે.
મંત્રી શ્રી પટેલે ઉમેર્યું કે, તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતનો યુવાન વૈશ્વિક સ્તરે પ્રગતિ કરે તે હેતુથી વિવિધ વિષયો સંબધિત યુનિવર્સિટીઓની સ્થાપના કરી હતી. આપણો દેશ ટેકનોલોજી ક્ષેત્રે વૈશ્વિક કક્ષાએ અગ્રેસર બનવા જઈ રહ્યો છે ત્યારે ભારતીય ઉદ્યોગોને સ્કિલ માનવ બળની જરૂરિયાત છે. આ જરૂરિયાતને પહોંચી વળવા રાજ્ય સરકાર દ્વારા કૌશલ્યા - ધ સ્કિલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી.
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્ય મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજાએ કહ્યું કે, ડ્રોન ટેકનોલોજી ક્ષેત્રે રહેલી વિપુલ તકોને ઝડપવા રાજ્ય સરકાર દ્વારા સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે. ડ્રોન ટેકનોલોજી એક વિકસિત થઈ રહેલું ક્ષેત્ર છે. આ ટેકનોલોજીનો ઉપયોગ આરોગ્ય, કૃષિ અને સંરક્ષણ જેવા ક્ષેત્રે થઈ રહ્યો છે ત્યારે આવનારા સમયમાં સ્કિલ ડ્રોન પાઇલટની માંગને પહોંચી વળવા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કૌશલ્યા- ધ સ્કિલ યુનિવર્સિટી અંતર્ગત સ્કૂલ ઓફ ડ્રોનનો શુભારંભ કરવામાં આવ્યો છે.
IFFCOના ચેરમેન શ્રી દિલીપ સંઘાણીએ કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનના પરિણામે આજે ભારતભરમાં ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ માત્ર બોર્ડર પર સુરક્ષા માટે જ નહીં પરંતુ કૃષિ, આરોગ્ય, શિક્ષણ, વેપાર સહિત અનેક ક્ષેત્રે થવા લાગ્યો છે. IFFCO દ્વારા સૌપ્રથમ પ્રવાહી નેનો યુરિયાની શોધ કરાઈ ત્યારે ખેતીમાં દવાના છંટકાવ માટે ડ્રોનની જરૂરિયાત ઊભી થઈ હતી. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં ડ્રોનના નિયમોમાં મોટા ફેરફાર-સુધારા કરાયા જેના થકી આજે IFFCO દ્વારા ડ્રોન ક્ષેત્રે યુવાનોને તાલીમ આપવાનું શક્ય બન્યું છે. આ માટે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં IFFCO એ ગુજરાત સરકાર સાથે એમઓયુ પણ કર્યા છે. જેનાથી સમગ્ર દેશમાં ડ્રોનનો વધુ ઉપયોગ ગુજરાતમાં થઈ રહ્યો છે.
આ પ્રસંગે IFFCO દ્વારા તાલીમ માટે ગુજરાત સરકારને ભેટ સ્વરૂપે ચાર ડ્રોન પણ આપવાની શ્રી દિલીપ સંઘાણીએ જાહેરાત કરી હતી.
શ્રમ-કૌશલ્ય વિભાગના અગ્ર સચિવ અને કૌશલ્યા- ધ સ્કિલ યુનિવર્સિટીના ડિરેક્ટર જનરલ ડોક્ટર અંજુ શર્માએ સ્વાગત પ્રવચન કરતા કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના ટેકનોલોજીના વિઝનને ચરિતાર્થ કરવા ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે કૌશલ્યા – ધ સ્કિલ યુનિવર્સિટીની માન્યતા આપી છે. ડ્રોનની તાલીમ માટે બજેટમાં રૂા. ૨૦ કરોડની રકમ પણ ફાળવવામાં આવી છે. જેના થકી આજે ગુજરાતમાં સ્કૂલ ઓફ ડ્રોનની સ્થાપના કરી શક્યા છીએ. આ ડ્રોન ટેકનોલોજી દ્વારા આગામી ત્રણ વર્ષમાં અંદાજે 20,000 માનવ બળને રોજગારી આપવાનું લક્ષ્યાંક છે. આ ક્ષેત્રે IFFCOના સહયોગથી 60 ઇન્સ્ટ્રક્ટરે કામ પણ શરૂ કરી દીધું છે. ડ્રોનની તાલીમ લેનારને DGCA દ્વારા લાયસન્સ પણ આપવામાં આવે છે. રાજ્યના ખેડૂતોને રાહત દરે ડ્રોન પાઇલટની તાલીમ આપવામાં આવશે. રાજ્યની 50 આઈ.ટી.આઈ માં ડ્રોનની તાલીમ આપવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. રાજ્યના ધોરણ 10 પાસ ઉમેદવારો પાઈલટની તાલીમ મેળવી શકશે. આ ઉપરાંત ડ્રોનને લગતા ડ્રોન મેન્યુફેક્ચરિંગ એન્ડ સર્વિસીસ તેમજ ડ્રોન પ્રોસેસિંગ એન્ડ એનાલિટિક્સ કોર્સ કરાવવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.
રોજગાર અને તાલીમ નિયામક શ્રી લલિત નારાયણ સિંઘ સાંદુએ આભાર વિધિ કરી હતી.
ગુજરાત સરકારના કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા અમદાવાદ ખાતે સ્થાપિત કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સિટીના સ્કૂલ ઓફ ડ્રોનના શુભારંભ કાર્યક્રમમાં ગાંધીનગરના ધારાસભ્ય શ્રી શંભૂજી ઠાકોર, ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રી એમ. નાગરાજન, ગાંધીનગર કલેકટર શ્રી કુલદીપ આર્ય, કૌશલ્યા- ધ સ્કિલ યુનિવર્સિટીના અધિકારીઓ - કર્મચારીઓ, ડ્રોન નિર્માતાઓ તથા મોટી સંખ્યામાં તાલીમાર્થીઓ સહિત ડ્રોન રસિકો ઉપસ્થિત રહ્યા હતા
રીપોર્ટર... ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી