એસઓજીએ સરખેજ-ગાંધીનગર હાઈવે પર છારોડી પાસેથી કાર લઈ પસાર થતી એક મહિલાને નશીલા પદાર્થના જથ્થા સાથે ઝડપી લીધી હતી. પોલીસે મહિલા પાસેથી રૂ.7.56 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
એસઓજીને બાતમી મળી હતી કે, એક મહિલા માદક પદાર્થનો જથ્થો લઈને સફેદ કલરની કારમાં એસજી હાઈવે પર આવેલા લોટસ મંદિર પાસે આવવાની છે.જે બાતમીની હકીકતના આધારે ટીમે સરખેજ ગાંધીનગર હાઈવે પર વોચ ગોઠવી હતી, જેમાં પોલીસે રોડ પર આડશ ગોઠવીને આવતા-જતા વાહનોની ચકાસણી શરૂ કરી હતી.દરમિયાન બાતમીવાળી શંકાસ્પદ સફેદ કલરની કાર દેખાતા પોલીસ ટીમે તેને રોકતા તેમાં બેઠેલી હરપ્રીતકૌર હરપાલસિંગ સહોતા (ઉં.32, રહે. સાનિધ્ય રોયલ, સત્ય સ્કવેરની સામે, ત્રાગડ) પાસેથી મેફેડ્રોનનો જથ્થો 15 ગ્રામ a570 મિલીગ્રામ (જેની કિંમત રૂ.1,55,700) મળી આવ્યો હતો. આથી પોલીસે આરોપી મહિલા પાસેથી એપલ ફોન, કાર અને અન્ય ચીજવસ્તુઓ મળી કુલ રૂ.7,56,350 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.આરોપી મહિલાની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, તે આ નશીલો પદાર્થ ગોમતીપુરના શાદ રાજપૂત નામની વ્યક્તિ પાસેથી લાવી હતી.