ડીસા ઓવરબ્રિજ પર બાઈક પર જઈ રહેલા દંપતિને જીપડાલાએ ટક્કર મારતા પતિ પત્ની બંનેને ગંભીર ઇજાઓ થઈ હતી. જેમાં પત્નીને વધુ ઇજા થઈ હોવાથી પાલનપુર રિફર કરવામાં આવ્યા છે. અકસ્માત બાદ જીપડાલા ચાલક નાસી છૂટ્યો હતો.

અકસ્માતની વિગત એવી છે કે, ડીસા તાલુકાના વડાવળ ગામે રહેતા સોમાભાઈ મફાભાઈ પ્રજાપતિ અને તેમના પત્ની ભાવનાબેન સોમાભાઈ પ્રજાપતિ પાલનપુરથી કોઈ સબંધીની દવાખાને ખબર કાઢી વડાવળ તરફ જઈ રહ્યા હતા. ત્યારે ડીસા ઓવરબ્રિજ પર પાછળથી આવી રહેલા જીપડાલાએ બાઇકને ટક્કર મારતા બંને જણા નીચે પટકાયા હતા. જેમાં બંનેને ગંભીર ઇજાઓ થઈ હતી.

તેઓને 108 ઇમરજન્સી વાન દ્વારા ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. જેમાં ભાવનાબેનને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હોય તેઓને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા અકસ્માત બાદ જીપચાલક નાસી છૂટ્યો હતો.આ અંગે પોલીસે સોમાભાઈ પ્રજાપતિની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.