થરાદ-ધાનેરા હાઇવે પર મોડી રાત્રે સેન્ટ્રો કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં થરા ગામના બે યુવાનનાં મોત નીપજ્યા. બનાવને પગલે પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. થરાદ પોલીસ મથકે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધાયો હતો.

બનાસકાંઠા જીલ્લાના સરહદી પંથકમાં અકસ્માતના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે. જેમાં થરાદ ધાનેરા હાઇવે પર અવર-નવર અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે થરાદના સિધોતરા પાટિયા નજીક મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે યુવાનોના મોત થતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

થરાદના થરા ગામના પુનમાભાઇ હરાજી પટેલ થરાદ પોલીસ મથકે નોંધાવેલી ફરીયાદ મુજબ ગઈકાલ તા.18/06/2024 ના રોજ રમેશભાઈ નાથાભાઇ પટેલ અને ઈશ્વરભાઈ મકનાભાઈ પટેલ બંને જણા ધાનેરાથી સેન્ટ્રો ગાડી લઈને આવતાં હતા. ત્યારે સિધોતરા પાટીયા નજીક ટ્રેક્ટર સાથે અકસ્માત થયો છે અને તેઓ બંને મરણ ગયા છે. તેવા સમાચાર મળતાં પુનમાભાઈ અને હરીભાઈ રવાજી દેસાઈ બંને જણા અકસ્માત થયું ત્યાં ગયા હતા.

જ્યાં તેમનાં ભત્રીજા રમેશભાઇ નાથાભાઈની સેન્ટ્રો ગાડી નં. GJ-24-AA-8631 વાળીને ફાર્મટેક ટ્રેક્ટર નં.GJ- 08-DG-1484ના ચાલકે સામેથી ટક્કર મારી હતી. જેથી તેમનાં ભત્રીજા રમેશભાઈની સેન્ટ્રો ગાડીમાં રમેશભાઈ નાથાભાઈ પટેલ તથા ઈશ્વરભાઈ મકનાભાઈ પટેલ બંને જણાઓ બેઠેલા હતા. ગાડીને ટક્કર મારતાં બંને જણાનું મોત નીપજ્યું હતું.

 જેમાં ઇશ્વરભાઈ મકનાભાઇ પટેલને 108 માં ધાનેરાથી પાલનપુર લઈને જતાં હતા. તે દરમિયાન ૨સ્તામાં મરણ ગયા હતા. રમેશભાઈની લાશને પોસ્ટમોર્ટમ માટે થરાદ ખાતે લાવ્યા હતા. ઇશ્વરભાઈની લાશને પીએમ માટે પાલનપુર સિવીલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી હતી.

અકસ્માતમાં મૃત્યુ પામનાર

1. રમેશભાઈ નાથાભાઈ પટેલ (ઉં.વ 32)

2. ઇશ્વરભાઇ મકનાભાઇ પટેલ (ઉં.વ 24)