સુરતથી માદરે વતન સરસ્વતીના ગણેશપુરા ગામમાં માતાજીના પ્રસંગ હોય હાજરી આપવા આવી રહેલ દેસાઈ પરિવારને ગામથી માત્ર આઠ કિલોમીટર દૂર અંતર બાકી હોય મધરાત્રે નીલગાય રસ્તામાં વચ્ચે ઉતરતા અકસ્માત નડ્યો હતો.

જેમાં કારચાલક અચાનક રસ્તામાં નીલગાય આવતા સ્ટેયરીંગ ઉપરનો કાબુ ગુમાવતા કાર રસ્તા ઉપરથી ઉતરી સાઈડમાં આવેલા ઝાડ સાથે ધડાકાભેર ટકરાતા ગાડીમાં સવાર મહિલા અને એક બાળકીનું ઘટના સ્થળે જ મોત થયું હતું તેમજ અન્ય ચાર સભ્યોને ગંભીર ઇજાઓ થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

સરસ્વતી તાલુકાના ગણેશપુરા ગામના વતની છેલ્લા 30 વર્ષથી ધંધાર્થે રાજુભાઈ જીવાભાઇ દેસાઈ પરિવાર સાથે સુરતમાં રહે છે. ચાર દિવસ બાદ ગામમાં માતાજી બેસાડવાનો પ્રસંગ હોય હાજરી આપવા માટે રવિવારે સાંજે 7:00 વાગે પોતાની કિયા સેન્ટ્રો ગાડી જી.જે.05.આરપી 5886 લઈને નીકળ્યા હતા.

કાર રાજુભાઈ ડ્રાઇવિંગ કરતા હતા તેમની બાજુની સીટમાં ઈશાબેન અને ભાણો મોહિત બેઠો હતો જ્યારે પાછળના ભાગે ચેતનાબેન રાજુભાઈ રબારી જીનલબેન મીરાબાઈ રબારી અને ગીતાબેન ગોબરભાઇ રબારી બેઠા હતા. પરિવાર સાથે કારચાલકે સતત ડ્રાઇવિંગ કરી 403 કિલોમીટર અંતર કાપી વાગડોદ નજીક પહોંચ્યા હતા.

માત્ર આઠ કિ.મી ગામ બાકી હતું. આશરે રાત્રે 1:30 વાગ્યાના અરસામાં પાટણ ડીસા હાઇવે ઉપર વાગડોદ નજીક સુર્યા હોટલ પાસે નીલગાય નીકળી હતી.જેને બચાવવા જતા રાજુભાઈ સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવતા કાર સિદ્ધિ ચોકડીઓમાં ઉભેલા બાવળના મોટા ઝાડ સાથે ધડાકા ભેર અથડાઈ હતી. ધડાકાભેર ટકકરને લઈ ગાડીમાં સવાર તમામ 6 સભ્યોને ઇજાઓ થઈ હતી.જેમાં મોહિતભાઈ મહેશભાઈ દેસાઈ (ઉ.વ.6) રહે. મોટી દઉ તા. મહેસાણા અને ઈશાબેન જીવાભાઈ રબારી (ઉ. વ.64) રહે ગણેશપુરા, હાલ સુરતનું મોત થયું હતું. જ્યારે જીનલબેન મેરાજભાઈ દેસાઈ,રાજુભાઈ જીવાભાઇ દેસાઈ, ચેતનાબેન રાજુભાઈ દેસાઈ અને ગીતાબેન ગોબરભાઈ દેસાઈને ઈજા થઈ હતી.