ડીસા હાઈવે રોડ પર આવેલ ભાટસણ ગામ પાસે બાઈક અને કાર અથડાતાં સોમવારે સવારે અકસ્માતમાં એક વ્યકિતનું હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા મોત નિપજ્યું હતું . ઘટનાની જાણ વાગડોદ પોલીસને થતાં ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી.

અકસ્માતના પગલે ઈજાગ્રસ્તોને સારવાર માટે 108ની મદદથી જંગરાલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા અને વધુ સારવાર માટે પાટણ જનતા હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા જેમાં બાઈક ચાલક નાગજીજી સવદાનજી ઠાકોરને તબીબે મૃત જાહેર કર્યા હતા. તેમની પત્ની કિંજલબેન નાગજીજી ઠાકોર અને દીકરી માધવીબેન ઠાકોરને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

ખારેડા ગામનું દંપતી બાઈક લઈને અબલુવા ગામે લગ્ન પ્રસંગમાં જઈ રહ્યા હતા. તે સમયે પાટણ બાજુથી આવી રહેલ GJ 24 AF 8637 ચાલકે ભાટસણ બાજુથી આવી રહેલ GJ 24 AT 5951 નંબરના બાઈકને અડફેટે લેતાં બાઈક રોડની સાઈડમાં ફેંકાઈ ગયું હતું જેમાં ચાલક સહિત પત્ની અને તેના ખોળામાં રહેલ આશરે એકાદ વર્ષની બાળકી રોડ પર પટકાતાં ગંભીર રીતે ઘાયલ થયા હતા.

 જેમાં બાઈક ચાલક નાગજીજી ઠાકોરનું રસ્તામાં મોત નિપજ્યું હતું અને માતા-પુત્રી ગંભીર રીતે ઘાયલ થતા સારવાર હેઠળ દાખલ કરાયા છે.વાગડોદ પોલીસે કારના નંબરના આધારે કાર કોની છે તે દિશામાં તપાસ શરૂ કરી અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.