શ્વેતાંબર, સ્થાનકવાસી, તેરાપંથ આદિ સર્વ સંપ્રદાયો દ્વારા જિનશાસનની એકતા અને પ્રભાવનાના પ્રતિક સ્વરુપ મણિનગર કાંકરીયા જૈન યુથ સંચાલિત મુમુક્ષુ નમ્રકુમારના સંયમની અનુમોદનારુપે ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનું આયોજન કાંકરીયા ફૂટબોલ ગ્રાઉન્ડથી કરવામાં આવ્યું હતું. કાંકરિયા હીરપુર જૈન સંઘમાં બાળ મુમુક્ષુની દીક્ષાવિધિના ભાગરુપે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શોભાયાત્રાને લીલી ઝંડી આપવાનું કાર્ય સાધર્મિકવત્સલ શ્રી કલ્પેશભાઈ વી. શાહ તથા શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ ભાતાઘર કમિટી શ્રી ડૉ. ભૂપેનભાઈ, નીરવભાઈ આદિ તથા પ્લેટિનમ સ્થંભ લાભાર્થી પરિવાર દ્વારા કરાયું હતું. 200થી વધુ ફોર વ્હિલર્સ અને 108થી વધુ ટૂ વ્હિલર્સ સાથે આ રેલી પૂર્વ વિસ્તારમાં ભવ્ય રીતે જોવા મળી હતી.
મુમુક્ષ નમ્રકુમારે શોભાયાત્રામાં લોકોના આશીર્વાદ, શુભેચ્છાઓ સ્વીકારી હતી. ભૂવનભાનુ સૂરીજી સમુદાયના પૂજ્ય હેમચંદ્રસુરીજીના શિષ્યરત્ન, (શિલ્પ વિધિ ) પરમ પૂજ્ય મુનીશ્રી સોમ્ય રત્ન વિજયજી મહારાજ સાહેબના શિષ્ય બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું છે. આ સાથે જ કાંકરિયા હિરપૂર વિસ્તારમાં પરમાત્મા મહાવીર સ્વામીની પાટ પરંપરામાં, જૈન શાસનમાં એક રત્નનો શ્રમણ (સાધુ) તરીકે પ્રવેશ થયો હતો.
શોભાયાત્રા બાદ આગામી દિવસોમાં શાસન પ્રભાવના કાર્યક્રમો થશે અને તા.20 જૂનને ગુરુવારે રજો હરણ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાશે. જૈન સમાજમાં થોડા દિવસના અંતર બાદ તરત જ બીજા દીક્ષા સમારંભનું શહેરમાં આયોજન કરાયું હતું જે ખૂબ જ મોટી વાત છે. કેમ કે, આજના આ ભોગવિલાસના સમયમાં, પશ્ચિમી સંસ્કૃતિના આક્રમણ અને બાહ્ય ભોગવિલાસ સામે આંતરિક આનંદની અનુભૂતિ ચડિયાતી છે, તે આ બાળ મુમુક્ષ નમ્રકુમાર સાબિત કરે છે.