ભાભરનો ઠક્કર પરિવાર શુક્રવારે રાત્રે કાર લઇ અમદાવાદમાં જમાઇની અંતિમક્રિયામાં જઇ રહ્યો હતો. ત્યારે અમદાવાદના માંડલા નજીક કાર ચાલક પુત્રએ સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતાં કાર ઝાડ સાથે અથડાઇ હતી. જેમાં માતા-પિતાનું મોત નિપજ્યું હતું. જ્યારે ચારને ઇજા થતાં સારવાર અર્થે ખસેડાયા હતા.
ભાભરના પ્રભુલાલ કરશનલાલ કારીયા (પાલિકાના પૂર્વ સિનીયર કલાર્ક)ના જમાઈ વિનોદભાઈ ક્કકડનું માંદગીના કારણે અમદાવાદમાં દુ:ખદ અવસાન થયું હતું. જેઓની અમદાવાદમાં શનિવારે સવારે અંતિમક્રિયા હોઇ પ્રભુલાલ કારીયા પરિવાર સાથે શુક્રવારે રાત્રે અમદાવાદ જવા કાર લઇને રવાના થયા હતા. જેમાં તેમનો પુત્ર રાજેશ કારીયા કાર ચલાવતો હતો. ત્યારે મોડી રાત્રે માંડલ ગામ નજીક ફૂકલી ગામ પાસે કાર ચાલકે કાબુ ગુમાવતાં કાર ઝાડ સાથે ટકરાઈ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
જેમાં પ્રભુલાલ કરશનલાલ કારીયા અને એમના પત્ની શાંતાબેન પ્રભુલાલનું મોત થયું હતું તેમજ પુત્ર રાજેશ પ્રભુલાલને ગંભીર ઇજા થતાં અમદાવાદમાં રીફર કરાયા હતા. તેમજ સોહિનીબેન રાજેશભાઈ કારીયા, સોનલબેન પ્રભુલાલ કારીયા તેમજ રાજેશભાઈના નાના પુત્રને ઇજાઓ થઇ હતી.
પ્રભુભાઈ કારીયા સાથે નાના ભાઈ છગનભાઈને પણ એજ કારમાં જવાનું હતું. પરંતુ પ્રભુભાઈની દીકરી સોનલબેન રાધનપુરથી આવવાની હોઇ ગાડીમાં જગ્યા ના હોવાથી છગનભાઈ કારમાં ગયા નહતા. તેઓ અન્ય ગાડીમાં જવા નિકળ્યા હતા. જો છગનભાઈ કારમાં ગયા હોત તો કાર છગનભાઈ ચલાવતા હોત તેમ સૂત્રોએ જણાવ્યું હતું.