આમિર ખાનની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'ના બોયકોટની થઈ રહી છે માગ.
આમિર ખાને આપેલા અસહિષ્ણુતાના નિવેદનને લીધે ફિલ્મ બોયકોટની માગ.
આમિરની ફિલ્મ 11 ઓગસ્ટે રિલીઝ થઈ છે પણ બોક્સઓફિસ પર હજી સુધી ખાસ કમાણી નથી કરી.
બોલિવુડ એક્ટર આમિર ખાન (Aamir Khan) હાલ ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' (Laal Singh Chaddha)ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ રિલીઝ થયાના એક દિવસ બાદ એક્ટર પોતાના ઘરની બાલકનીમાં ઊભેલો જોવા મળ્યો હતો. જોકે, તેના ઘરની સામે આવેલી તસવીરોમાં સૌથી વધુ ધ્યાન ત્યાં ફરકી રહેલા રાષ્ટ્રધ્વજે ખેંચ્યું હતું. શુક્રવારે આમિર ખાન પોતાના ઘરની બાલકનીમાં ઊભો હતો ત્યારે ત્યાં લગાવેલો રાષ્ટ્રધ્વજ જોઈ શકાતો હતો. ભારતની આઝાદીને 75 વર્ષ થયા છે ત્યારે પીએમ મોદીએ આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ હેઠળ 'હર ઘર તિરંગા અભિયાન' શરૂ કર્યું છે. જેમાં આમિર ખાન પણ સપોર્ટ કરતો જોવા મળ્યો હતો.
આમિર ખાન દીકરી આઈરા સાથે પોતાના ઘરની બાલકનીમાં ઊભેલો દેખાયો હતો. સામે આવેલી તસવીરોમાં બાપ-દીકરી વાતોમાં મશગૂલ જોવા મળે છે. આમિર ખાન સિમ્પલ વ્હાઈટ ટી-શર્ટ અને જિન્સમાં જોવા મળે છે જ્યારે આયરા બ્લૂ ટી-શર્ટ અને પેન્ટમાં દેખાઈ રહી છે. તેના હાથમાં કપ પણ છે.
'લાલ સિંહ ચઢ્ઢા'ને લઈ ચર્ચામાં છે આમિર
આમિર ખાનની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' હોલિવુડ મૂવી 'ફોરેસ્ટ ગમ્પ'ની ઓફિશિયલ હિન્દી રિમેક છે. ફિલ્મમાં ભોળો લાલ (આમિર ખાન) પોતાના જીવનની અગત્યની ઘટનાઓ ભારતીય ઈતિહાસની યાદગાર ઘટનાઓના સંયોગ સાથે જણાવે છે.
ફિલ્મનો વકરો બીજા દિવસે નબળો રહ્યો
11 ઓગસ્ટે રિલીઝ થયેલી ફિલ્મે પહેલા દિવસે 11.50 કરોડ રૂપિયાનો વકરો કર્યો હતો. જ્યારે શુક્રવારે ફિલ્મની કમાણીમાં 40 ટકાનો ઘટાડો આવ્યો હતો. દેશમાં અસહિષ્ણુતા અંગે આમિર ખાને થોડા વર્ષો પહેલા આપેલા નિવેદનને લઈને કેટલાક લોકો 'લાલ સિંહ ચઢ્ઢા'ની બોયકોટની માગ કરી રહ્યા છે. દેશના પંજાબ અને વારાણસી જેવા રાજ્યોમાં ફિલ્મનો વિરોધ પણ દેખાયો હતો. થિયેટરો ખાલી હોવાના કારણે કેટલાય શો કેન્સલ થયા હોવાના પણ અહેવાલ છે. આ ઉપરાંત કથિત રીતે 'લાલ સિંહ ચઢ્ઢા'માં ભારતીય આર્મી અને હિંદુઓની લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ આમિર ખાન સહિત કેટલાક લોકો સામે ફરિયાદ પણ નોંધાઈ છે.