દિયોદરના રામદેવપરા વિસ્તારમાં પોતાના ઘરના આંગણામાં સૂતેલી સાસુ ઉપર બુધવારે વહેલી સવારે આવેલા જમાઇએ ધારીયાથી હુમલો કર્યો હતો. તેણીને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું મોત થયું હતુ. પોલીસે હત્યારા જમાઇને ઝડપી લઇ જેલના સળીયા પાછળ ધકેલી દીધો હતો.
દિયોદર રામદેવપીરપરા વિસ્તારમાં રહેતા ઈશ્વરભાઈ ભાટીની દીકરીના લગ્ન સમાજના રીત-રીવાજ મુજબ થોડાક વર્ષો અગાઉ વાવ તાલુકાના કલ્યાણપુરા ગામે જામાભાઇ પાંચાભાઇ ચૌહાણ સાથે થયા હતા. જોકે, તે તેની પત્ની ઉપર શારિરીક- માનસિક ત્રાસ ગુજારતો હતો. આથી પાંચ દિવસ પહેલા પતિના કંકાસથી કંટાળી પરિણીતા પોતાના પિયર દિયોદર મુકામે રામદેવપીર પરા વિસ્તારમાં પોતાના માતાના ઘરે આવી હતી.
તે દરમિયાન બે દિવસ પહેલા તેનો પતિ જામાભાઈ પાંચાભાઇ ચૌહાણ તેડવા માટે આવ્યા હતા. ત્યારે તેમના સાસુ ફલુબેને કહેલ કે, અમારી દીકરીને તમે હેરાન કરો છો તેથી સમાજના પાંચ આગેવાનો લઈ અને તેડવા માટે આવજો. આથી જમાઈ ત્યાંથી પરત ગયો હતો. અને બુધવારે વહેલી સવારે દિયોદર સસરાના ઘરે આવ્યો હતો. જ્યાં ઘરની ઓસરીમાં સૂતેલી સાસુ ઉપર ધારીયું લઇને તૂટી પડયો હતો.
સાસુ ફુલીબેને સમાજના માણસો લઇને આવો પછી પત્નીને તેડી જજો એવું કહેતા જમાઇએ મનદુ:ખ રાખ્યુ હતુ. જેની અદાવત રાખી રાત્રીના સમયે સાસરીમાં આવી સાસુની હત્યા કરી હતી. પોલીસે તેને ઝડપી લઇ જેલના સળીયા પાછળ ધકેલી દીધો હતો.