વડગામ તાલુકાના ભુખલા ગામે પાંચ દિવસ અગાઉ એક ખેતરમાંથી લીલા ઝાડ કાપી ચોરી થઈ હતી. આ અંગે વડગામ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં ઝાડ કાપી ચોરી કરનાર વડગામ અને ખેરાલુ તાલુકાના સાત શખ્સોને ઝડપી લીધા હતા.

વડગામ તાલુકાના ભુખલા ગામે પાંચ દિવસ અગાઉ એક ખેતરમાં રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ લીલા વૃક્ષો કાપી નાખ્યા હતા અને તેની ચોરી કરીને લઈ ગયા હતા. આ અંગે વડગામમાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પીએસઆઇ એન.વી. રહેવરે જણાવ્યું હતું કે, વડગામ તાલુકાના કોદરામ ગામે મોંઘાજી કેસાજી ઠાકોરના ખેતરમાં લાકડા ભરેલું ટ્રેક્ટર ઊભું હોવાની જાણ થતા તપાસ કરી હતી. જે લાકડા ભૂખલા ગામના ખેતરમાંથી ઝાડ કાપી ચોરી કર્યા હોવાનું સામે આવ્યું હતું.

આ અંગે મોઘાજી કેશાજી ઠાકોર તેમજ આ ગુનામાં સંડોવાયેલા પરબતજી ચેલાજી ઠાકોર, ખેરાલુ તાલુકાના કાદરપુરનો વિઠાજી પધાજી ઠાકોર, મિયાસણનો પ્રવીણજી રણછોડજી ઠાકોર, કાદરપુરનો અળખાજી રવાજી ઠાકોર, ઈશ્વરજી મણાજી ઠાકોર, નાનીવાડાનો રાજેશકુમાર અરવિંદભાઈ વાઘેલાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.