પાલનપુરના ગોબરી રોડ પર દેવીપુજક સમાજના પરિવારના પાંચ વર્ષના બાળકનું ઘરમાં વીજ કરંટથી મોત નીપજ્યું હતું. ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતા તબીબે મૃત જાહેર કર્યો હતો. રોષે ભરાયેલા પરિવારએ કહ્યું કે ઘરની ઉપરથી પસાર થતા જીવંત વીજ વાયરો તાત્કાલિક હટાવવામાં આવે. આ વીજ વાયરો નજીકમાં હોવાથી અહીંથી જોખમી ઘટનાઓ બની છે.

પાલનપુરના ગોબરી રોડ વિસ્તારમાં પાંચ વર્ષિય રોહિત પપ્પુભાઈ પટણીનું વહેલી સવારે વીજકરંટથી મોત નીપજતા પરિવારજનો સૌપ્રથમ એરોમા સર્કલ સ્થિત ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા જો કે ત્યાં પહોંચે ત્યાં સુધીમાં બાળક મોતને ભેટી ગયું હતું.પાલનપુરથી જગાણા તરફ જતા માર્કેટયાર્ડની સામે દેવીપૂજક પરિવારના રહીશો વસવાટ કરે છે.

આ અંગે રહીશોએ જણાવ્યું હતું કે, અમારા ઘરોની ઉપરથી વીજવિભાગ દ્વારા જે લાઈનો નીકળવામાં આવી છે તે બિલકુલ અડીને છે.ગમે ત્યારે અકસ્માત થવાની શક્યતા છે. પાછળના ભાગે છાત્રાલયને વીજ કનેક્શન આપવા માટે અમારા ઘરોની ઉપરથી લાઈન લેવામાં આવી છે.અને અમને જોખમવાળી સ્થિતિમાં લાવીને મૂક્યા છે. આ વીજવાયરો તાત્કાલિક અસરથી હટાવવામાં આવે. વીજ વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે, બાળક ઘરની અંદર પંખાને અડતા તેમાંથી કરંટ બાળકને લાગ્યો છે. હાલ જે ઘરમાં કરંટ પ્રસર્યો હતો તેનું વીજ કનેક્શન બંધ કરવામાં આવ્યું છે.