રાજકોટમાં ગેમઝોનમાં થયેલા અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યભરમાં ફાયર સેફ્ટી સુવિધા વગરના સ્થળોની તપાસ ચાલી રહી છે. જેમાં ડીસા નગરપાલિકા દ્વારા પણ ગુરુવારે શહેરમાં ચાલતા ટ્યુશન ક્લાસીસ, લાઇબ્રેરીઓ સહિતના સ્થળો પર તપાસ હાથ ધરી સીલ કરવાની કામગીરી કરવામાં આવી હતી.

રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ સમગ્ર સરકારી તંત્ર હચમચી ઉઠ્યું છે. રાજ્યભરમાં ફાયર સેફટી સુવિધા વગરના હોટલો, હોસ્પિટલ, શાળા કોલેજો, ટ્યુશન ક્લાસીસ, મોલ કચેરીઓ સહિતના જાહેર સ્થળો પર તપાસના સરકારે આદેશ આપી દીધા છે. જેના અનુસંધાને ડીસા નગરપાલિકા દ્વારા તપાસ હાથ ધરાઈ છે.

જેમાં પાલિકા દ્વારા બે દિવસ અગાઉ અનેક શોપિંગ સેન્ટરો હોટલો હોસ્પિટલોને નોટિસ પાઠવી હતી. જ્યારે ગુરુવારે શહેરના ટ્યુશન ક્લાસીસ અને લાઇબ્રેરીઓની તપાસ હાથ ધરતા બે ટ્યુશન ક્લાસીસ અને એક લાઇબ્રેરીમાં ફાયર સેફ્ટી સુવિધાનો અભાવ જણાતા તેને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

પાલિકા દ્વારા એસસીડબલ્યુ હાઇસ્કૂલની પાછળ આવેલા દ્વારકેશ ટ્યુશન ક્લાસીસ અને સ્પાર્ક ટ્યુશન ક્લાસીસને સીલ મરાયું હતું. જ્યારે બેઝમેન્ટમાં ચાલતી સાઇલેન્ટ લાઈબ્રેરીને પણ સીલ મારવામાં આવ્યું હતું. ડીસામાં આ સિવાય મામલતદારની ટીમ દ્વારા પણ શહેરમાં હોટલો, સિનેમા ગૃહો, સામાજિક વાડીઓ, સભાગૃહોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.