ડીસા શહેરમાં તાજેતરમાં બોલેરો કાર અને બાઈક ચોરી બાદ આજે વધુ એક બાઈકની ઉઠાંતરી થવા પામી છે. શહેરમાં જાહેરમાં સીસીટીવીના અભાવે વાહન ચોર ટોળકી સક્રિય બની છે.
ડીસામાં બે દિવસ અગાઉ ગાયત્રી મંદિર પાસેથી બોલેરો કાર તેમજ ત્રણ હનુમાન મંદિર પાસેથી બાઈકની ચોરી થયા બાદ આજે શહેરના પશુ બજાર નાસ્તા હાઉસમાંથી વધુ એક બાઈકની ઉઠાંતરી થઈ હતી. જેમાં પશુબજાર વિસ્તારમાં નાસ્તાની લારી ધરાવતા સુનિલકુમાર ઉર્ફે સોનુ વિજયકુમાર સોનકર, (રહે. ક્રિષ્ના વીલા સોસાયટી, ભાગ 2 ડીસા) એ પોતાનું બાઈક નાસ્તાની લારીની આગળ મૂકેલું હતું.
ત્યારે કોઈ શખ્સ તેઓની નજર ચૂકવી બાઈક ઉઠાંતરી કરી ગયો હતો. જે અંગે તેઓએ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવી છે. ડીસા શહેરમાં નગરપાલિકા દ્વારા લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં હોવાથી વાહન ચોર ટોળકી સક્રિય બની રહી હોવાનો મત શહેરીજનોમાં પ્રવર્તી રહ્યો છે.